વન્યજીવો માટે સ્પેશિયલ કૂલિંગ વ્યવસ્થા:ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને કાળઝાળ ગરમી-લૂથી બચાવવા મીટકુલ્ફી અને પાંજરામાં કૂલર ફોગર્સની સુવિધા

Gujarat4/6/2026, 4:27:58 AM
વન્યજીવો માટે સ્પેશિયલ કૂલિંગ વ્યવસ્થા:ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓને કાળઝાળ ગરમી-લૂથી બચાવવા મીટકુલ્ફી અને પાંજરામાં કૂલર ફોગર્સની સુવિધા
ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કના અબોલ વન્યજીવોને ગરમીની લૂ ન લાગે તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા વીઆઈપી કક્ષાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કમાં વસતા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓથી લઈને નાના પક્ષીઓ સુધીના તમામ જીવો માટે ઉનાળાને હરાવવા ખાસ સમર પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આકરી ગરમીમાં પ્રાણીઓ તણાવમુક્ત રહે અને તેમનું તાપમાન જળવાઈ રહે તે માટે ટેકનોલોજી અને કુદરતી પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. ઠંડક આપતા ખોરાકનું પણ આયોજન રાજ્યભરમાં ઉનાળાનો પ્રકોપ વધતા અને તાપમાનનો પારો આસમાને પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ અબોલ વન્યજીવો પણ હીટવેવની ચપેટમાં આવી જતા હોય છે. ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ ઈન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાની આ આકરી ગરમીથી વન્યજીવોને રક્ષણ આપવા માટે ગીર ફાઉન્ડેશન દ્વારા યુદ્ધના ધોરણે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પાર્કમાં વસતા 600થી વધુ પશુ-પક્ષીઓ અને સરીસૃપોને ગરમીથી બચાવવા માટે આધુનિક કૂલિંગ સિસ્ટમથી લઈને ઠંડક આપતા વિશિષ્ટ ખોરાક સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. પાંજરાઓમાં ગરમી ઘટાડવા વોટર કૂલર લગાવાયા ગરમીના લીધે તાપમાન વધતા વન્યજીવો પર તેની સીધી શારીરિક અસર જોવા મળતી હોય છે, જેને નિયંત્રિત કરવા માટે ઈન્દ્રોડા પાર્કના સત્તાવાળાઓ દ્વારા પાંજરાઓમાં ગરમી ઘટાડવા માટે વોટર કૂલર અને આશરે 80 જેટલી ખસની ટટ્ટીઓ લગાડવામાં આવી છે. આ ખસની ટટ્ટીઓ પર સમયાંતરે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પાંજરાની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા 3થી 4 ડિગ્રી જેટલું નીચું રહે છે. ખોરાકમાં પણ ઉનાળા અનુરૂપ ફેરફારો કરાયા આ ઉપરાંત હવામાં ઠંડક પ્રસરાવવા માટે પાંજરામાં વૃક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર્સ અને સ્પ્રિંકલર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ફુવારાઓ દ્વારા થતો પાણીનો ઝીણો છંટકાવ વાતાવરણને આહલાદક બનાવે છે અને પ્રાણીઓને લૂ લાગવાથી બચાવે છે. ઉપરાંત પ્રાણીઓની જીવનશૈલી અને ખોરાકમાં પણ ઉનાળાને અનુરૂપ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે માંસાહારી અને હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ અને દીપડા માટે ગીર ફાઉન્ડેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ હિંસક પ્રાણીઓને આઈસ ક્યુબમાં થીજવેલું મીટ એટલે કે માંસના ટુકડા આપવામાં આવે છે. જે એક પ્રકારે તેમના માટે આઈસ કુલ્ફી સમાન સાબિત થાય છે. આ પદ્ધતિથી પ્રાણીઓના શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને તેઓને પૂરતું હાઈડ્રેશન પણ મળે છે. અન્ય નાના કદના પ્રાણીઓ માટે પણ વિશિષ્ટ ડાયેટ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જ જેમના રહેઠાણની વ્યવસ્થામાં પણ કુદરતી અને કૃત્રિમ સંતુલન જાળવવામાં આવ્યું છે. ઈન્દ્રોડા પાર્કના પાંજરાઓમાં પૂરતા પ્રમાણમાં ઘટાદાર વૃક્ષો હોવાથી પ્રાણીઓને કુદરતી છાંયો તો મળે જ છે પરંતુ વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ માટે ખાસ ઠંડી ગુફાઓ બનાવવામાં આવી છે, જ્યાં તેઓ બપોરના સમયે આરામ કરી શકે છે. જ્યારે રાત્રિના સમયે પણ ઉકળાટ ન થાય તે માટે નાઈટ શેલ્ટરમાં પંખા અને વધારાના કૂલરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આમ ગરમી સામેના આ જંગમાં વન્યજીવોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક સંપૂર્ણ સજ્જ બન્યું છે.
Read Original Article →