કાળઝાળ ગરમીનો પ્રકોપ:આગામી 5 દિવસ યલો એલર્ટ જાહેર, વહીવટી તંત્રની નાગરિકોને સાવચેત રહેવા અપીલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ ગાંધીનગર જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદની ભૌગોલિક નિકટતાને કારણે ગાંધીનગરમાં પણ હીટ વેવની તીવ્ર અસર વર્તાઈ શકે છે.જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 5 દિવસ માટે હાઈ ટેમ્પરેચર વોર્નિંગ જાહેર
હવામાન વિભાગે આજે તારીખ 25 મેથી 29 મે સુધી યલો એલર્ટ એટલે કે હાઈ ટેમ્પરેચર વોર્નિંગ જાહેર કર્યું છે. આગાહી મુજબ આ પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે. ત્યારબાદ 30મે થી 1 જૂન દરમિયાન તાપમાન 40થી 41 ડિગ્રીની આસપાસ રહેશે. જોકે, તે સમયગાળા માટે કોઈ સત્તાવાર એલર્ટ આપવામાં આવ્યું નથી. ગરમીના આ કપરા સમયગાળામાં નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે. જેમ કે તરસ ન લાગી હોય તો પણ સમયાંતરે પાણી, લીંબુ શરબત, ORS, છાશ કે નાળિયેર પાણીનું સેવન કરવું, બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન સૂર્યના સીધા તાપમાં નીકળવાનું ટાળવું. બહાર નીકળતા સમયે અમુક સાવચેતીઓ રાખવી
જો બહાર નીકળવું પડે તો હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને ટોપી, છત્રી કે ચશ્માનો અવશ્ય ઉપયોગ કરવો.નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા માતાઓ અને અગાઉથી બીમારી ધરાવતા વ્યક્તિઓને ગરમીની અસર ઝડપથી થઈ શકે છે, તેથી તેમની વિશેષ કાળજી લેવી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ પશુઓ અને પક્ષીઓ માટે છાંયડાની તેમજ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા ગ્રામ પંચાયતો અને સ્વૈચ્છિક સંસ્થાઓને ખાસ અનુરોધ કરાયો છે. જો કોઈને ચક્કર આવવા, ઉલટી થવી કે માથાના દુખાવા જેવી હીટ સ્ટ્રોકની અસર જણાય તો તુરંત તેમને ઠંડી જગ્યાએ ખસેડી પ્રાથમિક સારવાર આપવી અને જરૂર જણાય તો 108 એમ્બ્યુલન્સ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.આમ આગામી દિવસોમાં વધતા તાપમાનને જોતા નાગરિકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
Read Original Article →