સેક્ટર-6માં સરકારી આવાસ સાઇટ પર નળ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:જાગૃત સ્ટાફે 5 આરોપીને પકડી પોલીસને હવાલે કર્યા

Gujarat5/20/2026, 6:09:09 AM
સેક્ટર-6માં સરકારી આવાસ સાઇટ પર નળ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:જાગૃત સ્ટાફે 5 આરોપીને પકડી પોલીસને હવાલે કર્યા
ગાંધીનગરના સેક્ટર-6 માં વીર ભગતસિંહ નગર ખાતે ચાલી રહેલા સરકારી આવાસોના બાંધકામની સાઇટ પર ચોરીનો એક મોટો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સાઇટ પર નિર્માણ પામી રહેલા ફ્લેટોમાં ફિટ કરવામાં આવેલા કિંમતી નળની ચોરી કરી રહેલી એક આખી ગેંગને સાઇટના જ જાગૃત સ્ટાફે રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કરી છે. પકડાયેલા પાંચ આરોપીઓ પાસેથી સેક્ટર-7 પોલીસે ₹13,000ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે. સરકારી આવાસની સાઇટ પર બે વર્ષથી સુપરવાઇઝર તરીકે ફરજ મળતી માહિતી મુજબ, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય ભાનુપ્રસાદ બળદેવદાસ ભાવસાર સેક્ટર-6 ખાતે 'પી. પ્રફુલચંદ્ર એન્ડ કંપની' માં છેલ્લા બે વર્ષથી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ કંપની છેલ્લા ત્રણ વર્ષથી વીર ભગતસિંહ નગર ખાતે સરકારી આવાસોના બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. ચોરી અટકાવવા માટે આ આખી સાઇટને ચારેય તરફથી કમ્પાઉન્ડ વોલ (રક્ષણાત્મક દીવાલ) બનાવીને સુરક્ષિત કરવામાં આવી છે. બે શંકાસ્પદ ઇસમો પકડાતાં જ આખું રેકેટ ખૂલ્યું ગઈકાલે બપોરે આશરે 02:00 વાગ્યાની આસપાસ સુપરવાઇઝર ભાનુપ્રસાદ સાઇટ પર આવેલી ઓફિસ પર હાજર હતા. તે દરમિયાન સાઇટના અન્ય એક સુપરવાઇઝર જયેન્દ્રસિંહ સોલંકીએ કમ્પાઉન્ડ વોલની અંદર શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા બે ઇસમોને પકડી પાડ્યા હતા. આ બંને ઇસમોની કડકાઈથી પૂછપરછ અને તપાસ કરતાં જ સાઇટ પરથી ફિટ કરેલા નળ ચોરી કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ સ્ટાફ દ્વારા આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સેક્ટર-7 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ ચોરીના ગુનામાં સામેલ કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી ચોરીના નળ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →