મહાઠગ ઉત્પલે ઠગાઈમાંથી 50 કરોડથી વધુનો ટેક્સ ભર્યો:ગિફ્ટ સિટીની શૂટ સ્પેસ વિદેશ પ્રવાસની લાલચ આપતી, IPO લાવવાનો પ્લાન બનાવ્યો, ઇન્વેસ્ટર્સના 300 કરોડ ડૂબ્યા?

Gujarat5/24/2026, 6:35:00 PM
મહાઠગ ઉત્પલે ઠગાઈમાંથી 50 કરોડથી વધુનો ટેક્સ ભર્યો:ગિફ્ટ સિટીની શૂટ સ્પેસ વિદેશ પ્રવાસની લાલચ આપતી, IPO લાવવાનો પ્લાન બનાવ્યો, ઇન્વેસ્ટર્સના 300 કરોડ ડૂબ્યા?
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત શૂટસ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ સ્પેસમાં રોકાણના નામે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ તેની પત્ની સહિત છ સંચાલકો વિરુધ પોલીસે કાયદાનો ગાળિયો કસી દીધો છે. ઠગાઈમાંથી 50 કરોડનો ટેક્સ ભર્યો, આંકડો 300 કરોડ વટાવી શકે જોકે આ ઠગાઈની પ્રાથમિક તપાસમાં જ ઉત્પલ પટેલે રોકાણની રકમના ટેક્સ પેટે 50 કરોડથી વધુ સરકારમાં નિયમો મુજબ ભરી દીધા હોવાનું જાણવા મળતા ઠગાઈનો આંકડો 100 નહીં પણ 300 કરોડ પહોંચે તો નવાઈ નહીં. અન્ય કંપનીઓમાં રકમ ટ્રાન્સફર કરતા વિદેશ પ્રવાસની લાલચ આપી રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલી કરોડોની રકમને કંપનીએ પોતાના અન્ય વ્યવસાયો જેવા કે ક્લાઉડજી ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડમાં ટ્રાન્સફર કરી રોકાણકારોની મૂડી ઉચાપત કરી લીધી છે. આ પણ વાંચો: લાખોના વળતરની લાલચે ઘણાએ લોન લઈ રૂપિયા રોક્યા, 5 રાજ્યના લોકોને કેવી રીતે ટ્રેપમાં ફસાવ્યા? છેતરપિંડીમાં કોણ કોણ સામેલ? આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ફાઉન્ડર અને ડાયરેક્ટર ઉત્પલ રામાભાઈ પટેલ, ડાયરેક્ટર અરૂણ રમેશચંદ્ર રાય, ક્લાઉડીજી ડિજિટલ પ્રા.લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર અરૂણ વીરચંદભાઈ પટેલ, શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના ઝોનલ મેનેજર સચિન અમૃતભાઈ પટેલ, હેરી હોસ્પીટાલીટી એન્ડ લીઝર લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર ભૂમિ ઉત્પલ પટેલ તથા શૂટસ્પેસ ડિજિટલ પ્રા.લિ.ના એડિશનલ ડાયરેક્ટર અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિ.ના ડાયરેક્ટર ધ્રુવ જગદીશભાઇ ચૌધરીનો સમાવેશ થાય છે. આ ઠગાઈની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરી છે. એએસપી આયુષ જેની આગેવાનીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્રણેય કંપનીઓનું એકબીજા સાથેનું કનેક્શન તપાસાશે પોલીસ રિમાન્ડ દરમિયાન ત્રણેય કંપનીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી, ઇન્વેસ્ટરો કેટલા તેમજ કંપનીમાં ફાઇનાન્સ ક્યાંથી આવતું અને કેવી રીતે ઇન્વેસ્ટર્સને ભાડા પેટે કમિશન ચૂકવાતું હતું તેની માહિતી મેળવી રહી છે. આ ઉપરાંત અરુણ પટેલ અને સચિનની બેન્ક ડિટેઇલ તેમના મોબાઇલના સીડીઆર અને વોન્ટેડ આરોપીઓનું પગેરું શોધવા પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આ સમગ્ર કૌભાંડ અન્ય કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે, ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર ઉભો કરનાર કંપની કઈ તેનો ખર્ચો ઉપરાંત આ સેન્ટર માટે જરૂરી લાયસન્સ લેવામાં આવ્યું છે કે નહીં વિગેરે નાનામાં નાની વિગતોની પૂછતાછ હાથ ધરવામાં આવી રહી છે. વાર્ષિક 60 ટકા રિટર્ન પેટે 200 કરોડ ચૂકવ્યા બીજી તરફ એસઆઇટી ટીમ કોથળાઓ ભરી ભરીને એકઠા કરેલા ત્રણેય કંપનીના દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી બાબત જાણવા મળી છે કે, ઉત્પલ પટેલે ત્રણ ચાર વર્ષના ગાળામાં જ ડેટા સ્પેસમા રોકાણ કરનાર ઇન્વેસ્ટર્સને આશરે વાર્ષિક 60 ટકા માતબર વળતર પેટે 200 કરોડથી વધુની રકમનું ચૂકવણું કર્યું છે. એમાંય ઉત્પલ પટેલે અત્યાર સુધીમાં જેટલા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા, તે પેટે સરકારના નિયમો મુજબ 50 કરોડથી વધુ ટેક્સ-જીએસટી પણ ભર્યો છે. હવે જે રીતે ટેક્સ ભર્યાની વિગતો સામે આવી રહી એ જોતા ઠગાઈનો આંકડો 100 નહીં પણ ત્રણસો કરોડ પહોંચે તો નવાઈ નહીં. નવા રોકાણકારોના પૈસા ફસાયા જોકે આ સુવ્યવસ્થિત આર્થિક ડિજિટલ ઠગાઈના મૂળિયા સુધી પહોંચવા માટે એસઆઇટીએ સરકારી ચાર્ટડ એકાઉન્ટન્ટની નિમણૂંક કરી ઉત્પલ પટેલ સહિતની ટોળકીના બેન્ક એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શનો સહિતની વિગતો મેળવીને ઠગાઈના ચોક્કસ આંકડા સુધી પહોંચશે. હાલમાં તો નવા જે રોકાણકારો છે એમની સાથે ઠગાઈ થઈ હોવાની બૂમરાણ પડી રહી છે. બાકી જુના સેંકડો રોકાણકારોને તો માતબર વળતર ચૂકવી દેવાયું છે. મિટિંગમાં નવું રોકાણ ન લાવવા અને IPOની જાહેરાત કરી એમાં પણ એક બાબત સામે આવી છે કે, ઉત્પલ પટેલ અત્યાર સુધીમાં વળતર ચૂકવી જ રહ્યો હતો. પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનાથી તેનું ગણિત બગડી ગયું હતું. જે અંગે તેના CAએ રોકાણ સામે વળતરની રકમ ઘટાડવા પણ સલાહ આપી હતી. જેના પગલે ઉત્પલે એપ્રિલ-2026માં ઝૂમ મિટિંગ કરી નવું સ્પેસ રોકાણ નહીં લેવાની જાહેરાત કરી હતી. તેમજ કંપનીની નાણાંકીય સ્થિતિ બરાબર નહીં હોવાનું કહી આઈપીઓ લાવવાનો પ્લાન રજૂ કરી ભાડું ચૂકવી દેવાનું વચન આપ્યું હતુ. બાદમાં વોટસએપ મેસેજ મોકલી આજ દિન સુધીમાં કંપનીએ જે ભાડું ચૂકવ્યું છે તેના બદલે હવેથી ભાડાના 25 ટકાની રકમ આપવાનું કહ્યું હતું. પરંતુ એ અવધિ પૂર્ણ થયા પછી પણ ભાડા પેટે વળતર નહીં મળતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો ઉત્પલ પટેલ પરિવાર સાથે દુબઇ ભાગી ગયો હતો. જાહેરાતો જોઈને રોકાણકારો ઓફિસે દોડી જતા હવે આ ઠગાઈની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ટૂંકા ગાળામાં તગડો નફો એટલે કે બેન્ક, આઇપીઓ, શેર બજાર, એસઆઇપી સહિતની સ્કીમો કરતા પણ ઊંચું વળતર મેળવવા ઇચ્છુ બકરાઓને ફસાવવા શૂટ સ્પેસ ડિજિટલ પ્રા.લિ. નામની કંપનીના જાહેરાતના બેનરો જાહેર સ્થળોએ લગાવવામાં આવતા હતા. જેમાં ડિજિટલ ડેટા સ્ટોરેઝની સ્કીમોમાં રોકાણ-વળતરની લોભામણી વિગતો લખવામાં આવતી હતી. આ જોઈને સામેથી ઇન્વેસ્ટરો ગિફ્ટ સિટીની વૈભવી ઓફિસે ઇન્કવાયરી કરવા પહોંચતા હતા. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે માહીતી મેળવવા આવનાર વ્યક્તિઓને ઓડીયો/વિડીયો સાથેની કંપનીની કામગીરી વિશેની એડ સ્ક્રીન ઉપર બતાવવામાં આવતી હતી. ટીડીએસ અને સર્વિસ ચાર્જ પણ લીગલી વસૂલતા ડિજિટલ યુગમાં ટેરાબાઈટ, ગીગા બાઈટ સ્વરૂપે ડેટા સ્ટોરેજના સર્વરોનું મહત્વ-ફાયદાઓ જણાવી રોકાણકારના મનમાં લાલચ જગાવવામાં આવતી હતી. એટલે 1 TB થી લઇને 120 TB સુધીના સ્પેસ માટે રોકાણની રકમ અને તેની સામે માસિક ભાડા પેટેની આવકની રકમ જોઈને ઇન્વેસ્ટર્સ પણ આકર્ષાઈ જતા હતા. વળી કંપની દ્વારા સાત વર્ષનો કરાર કરી ટીડીએસ અને સર્વિસ ચાર્જ પણ લીગલી કાપવામાં આવતો હતો. એટલે ઇન્વેસ્ટર્સ સરકારમાં ટેક્સ ભરવામાં આવતો હોવાનું જોઈને વધુ ભરોસો કરી બેસતા હતા. આ રીતે બિલ મોકલતા બાદમાં રોકાણ કરવા ઇચ્છુક ઇન્વેસ્ટર્સને શુટસ્પેસ ડિજિટલ પ્રા.લિ. કંપનીની વોટસએપ ઉપર Easebuzz નામની મર્ચન્ટ લિંક મોકલતા હતા. આ લિંકના માધ્યમથી પેમેન્ટ કરવાથી રકમ શૂટ સ્પેસ ડિજિટલ પ્રા.લિ. કંપનીના એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ જતી હતી. આ સિવાય સ્વેપિંગ મશીનથી પણ પૈસા સ્વીકારવામાં આવતા હતા. જેવી રકમ ટ્રાન્સફર થાય એટલે કંપની તરફથી ઓટોમેટીકલી ડિજિટલી ડોક્યુમેન્ટ ઇન્વેસ્ટર્સના આઇડીમાં જનરેટ થઈ જતું હતું અને તેમાં રોકેલી રકમનું ઇનવોઇસ, ASA તથા SLA એગ્રીમેન્ટ ઓટો જનરેટ થઈ જતા હતા. ફ્રીમાં વૈભવી રિસોર્ટમાં રોકાવાની ઓફર આપતા બાદમાં મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ સહિતની ઠગ ટોળકી દ્વારા ચેઇન સિસ્ટમ અને પિરામિડ સ્ટાઇલમાં 3TB, 9TB, 27TB સ્પેસ માટેના રોકાણની સ્કીમ સમજાવી તે મુજબ રોકાણ કરવાથી વૈભવી રિસોર્ટમાં બે રાત અને ત્રણ દિવસ રોકાણ ફ્રીની ઓફર તરતી મૂકતો હતો. કપલ ઇન્વેસ્ટર્સ માટે ફાઇવ સ્ટાર હોટલોમાં સેમિનાર આ ઉપરાંત માત્ર કપલ ઇન્વેસ્ટર્સ માટે ફાઇવ સ્ટાર હોટલોમાં સેમિનાર કરવામાં આવતા હતા અને સેમિનારના બહાને તગડા નફાની સ્કીમો સમજાવી કપલોને આડકતરી રીતે માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવી નવા રોકાણકારો શોધી લાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. તો મોટા રોકાણકારોનું કંપની તરફથી સન્માન કરી તેમણે કરેલી કમાણીની વિગતો જાહેર કરવામાં આવતી હતી. જે લોકો કંપનીમાં એક મહિનાની અંદર ઓછામા ઓછું 40TB સ્પેસ માટે રોકાણ કરશે તેમને કંપની દ્વારા વિદેશ પ્રવાસ કરાવવાની ઓફર પણ મુકવામાં આવતી હતી. પોત પોતાના આઈડીથી નીચે કંપની અન્ય લોકો પાસે રોકાણ કરાવતી ઇન્વેસ્ટર્સ વિદેશ પ્રવાસની લાલચમાં આવીને પોતાના મિત્રો સગા-વ્હાલામાં માઉથ ટુ માઉથ કંપનીની પબ્લિસિટી કરતા હતા અને પોત પોતાના આઇડી મારફતે નીચે બીજા વ્યક્તિઓ પાસે રોકાણ કરાવી કંપની દ્વારા નક્કી થયેલ ટકાવારી અનુસાર ચાર બીજા આઈડી જનરેટ કર્યા કરતો હતા. આમ આખી ચેઇન અને પિરામિડ સિસ્ટમથી આયોજનબદ્ધ રીતે ઠગાઈનું નેટવર્ક ભેજાંબાજ ઉત્પલ પટેલ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડ રચવા માટે માસ્ટર માઇન્ડ ઉત્પલ પટેલે ગજબનું સેટઅપ ગોઠવ્યું હતું. જેના માટે શૂટ સ્પેસ કંપનીની સાથે સાથે અન્ય બે કંપની ક્લાઉડીજી ડિજિટલ પ્રા.લિ. અને હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર નામની કંપની પણ બનાવી હતી. જે કંપનીઓના કનેક્શનના મૂળિયાઓ સુધી પહોંચવા હાલ તો એસઆઇટી તપાસનો દોર ચલાવી રહી છે. શું છે મામલો? 5 મે, 2026ના રોજ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતો. રોકાણકારો કંપનીની ઓફિસે ન્યાયની માંગ સાથે ઉમટી પડતા ગિફ્ટ સિટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે જાણ થતા ડભોડા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ કંપનીના સંચાલકોની શોધખોળ હાથ ધરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઉત્પલ પટેલે શૂટ સ્પેસ ડિજિટલની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે આપી. લોકોને લાલચ આપી કે ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીમાં તમે રૂપિયા રોકો અને તમને TB એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવશે. એટલે તમને દરમહિને ભાડા પેટે આવક થતી રહેશે. આ રોકાણ માટે ભાડા કરાર પણ કરવામાં આવતા હતા. સરળ ઉદહરણની રીતે સમજીએ તો એક કોમ્લેક્સમાં 100 દુકાનો હોય. તો ઇન્વેસ્ટર પાસેથી દુકાનના નામે રૂપિયા લેવાના અને જે તે દુકાન અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપી દેવાની. જે ભાડું મળે એમાં કંપની અને ઇન્વેસ્ટરને આવક થાય. આવી જ ફોર્મ્યૂલા ઉત્પલ પટેલે અપનાવી. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણ ટેરાબાઇટ પર ચાલતું હતું. એટલે ઓછામાં ઓછું એક ટેરાબાઈટનું રોકાણ કોઈ વ્યક્તિ કરી શકે. જો એક ટેરાબાઈટના નામે GST સહિત 38,940 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો મહિનાના અંતે ભાડા પેટા 1650 રૂપિયાની આવક થતી. જેમ-જેમ રોકાણ વધે એમ-એમ ભાડાની આવક પણ વધતી જાય.
Read Original Article →