ગાંધીનગર ડીમાર્ટમાંથી ઘીના પાઉચની ચોરી:20 દિવસમાં ₹44 હજારના ઘીના પાઉચ ચર્યો, પોલીસે આરોપીની અટકાયત કરી

Gujarat4/11/2026, 10:29:01 AM
ગાંધીનગર ડીમાર્ટમાંથી ઘીના પાઉચની ચોરી:20 દિવસમાં ₹44 હજારના ઘીના પાઉચ ચર્યો, પોલીસે આરોપીની અટકાયત કરી
ગાંધીનગરના સેક્ટર-26માં આવેલા ડીમાર્ટ મોલમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી ઘીના પાઉચની ચોરીનો પર્દાફાશ થયો છે. મોલ મેનેજમેન્ટે વાવોલના વતની સુરપાલસિંહ ઠાકોરને લોટની થેલીમાં 13 પાઉચ છુપાવીને લઈ જતા રંગેહાથ ઝડપી પાડી સેક્ટર-21 પોલીસને હવાલે કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને સ્ટોકની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે ₹44,000ની કિંમતના કુલ 143 ઘીના પાઉચની ચોરી કરી હતી. મધુર અને અમુલ ઘીના 500 ગ્રામના પાઉચમાં સતત ઘટ ઘટનાની વિગતો મુજબ, સેક્ટર-26 ડીમાર્ટના સ્ટોર મેનેજર તુષારભાઈ ગાયકવાડને છેલ્લા 20 દિવસથી સ્ટોકની ગણતરી દરમિયાન મધુર અને અમુલ ઘીના 500 ગ્રામના પાઉચમાં સતત ઘટ જણાતી હતી. આ મામલે શંકા જતાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક શખ્સ ઘઉંના લોટની થેલીની અંદર કંઈક છુપાવીને લઈ જતો શંકાસ્પદ જણાતા સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો હતો. અમુલ ઘીના 500 ગ્રામના 13 પાઉચ બિનવારસી મળ્યા ગત 10 એપ્રિલના રોજ સાંજે જ્યારે આ શંકાસ્પદ શખ્સ ફરીથી મોલમાં ખરીદી કરવા આવ્યો અને એક્ઝિટ ગેટ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મેનેજરે તેને અટકાવી બિલની માંગણી કરી હતી. બિલમાં માત્ર ઘઉંના લોટની બે થેલીઓ જ નોંધાયેલી હતી, પરંતુ તપાસ કરતા થેલીની અંદરથી અમુલ ઘીના 500 ગ્રામના 13 પાઉચ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. સેક્ટર-21 પોલીસે આરોપીની અટકાયત કરી પકડાયેલા શખ્સની ઓળખ સુરપાલસિંહ સોમાભાઈ ઠાકોર (રહે. વાવોલ, મૂળ મહીસાગર) તરીકે થઈ છે. કડકાઈથી પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ અનેકવાર આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી ચૂક્યો છે. મોલના રેકોર્ડ અનુસાર તેણે અત્યાર સુધીમાં કુલ 143 નંગ પાઉચની ચોરી કરી છે. હાલ સેક્ટર-21 પોલીસે સ્ટોર મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →