ટેકાના ભાવે ખરીદી ઘટાડા સામે ખેડૂતોની ગાંધીનગર કૂચ:સચિવાલય બહાર પોલીસ સાથે ઘર્ષણ,142 મણના બદલે 100 મણ ખરીદીનો નિર્ણય પાછો ખેંચવા માંગ

Gujarat6/3/2026, 10:00:18 AM
ટેકાના ભાવે ખરીદી ઘટાડા સામે ખેડૂતોની ગાંધીનગર કૂચ:સચિવાલય બહાર પોલીસ સાથે ઘર્ષણ,142 મણના બદલે 100 મણ ખરીદીનો નિર્ણય પાછો ખેંચવા માંગ
ગાંધીનગરમાં ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ભારતીય કિસાન સંઘના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા અને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. 142 મણની જાહેરાત સામે 100 મણ નક્કી કરી દેવાયા ખેડૂતોનો આક્ષેપ છે કે,સરકાર દ્વારા અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ સુધી પાકની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ અચાનક કોઈ આગોતરી જાણ કર્યાં વિના ખરીદીની મર્યાદા પ્રતિ ખેડૂત 100 મણ સુધી નક્કી કરી દેવામાં આવી છે.આ નિર્ણયથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. પાસ હોવા છતા સચિવાલયમાં પ્રવેશ ન આપતા પોલીસ સાથે ઘર્ષણ ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા હતા.જોકે, ખેડૂતો પાસે માન્ય પાસ હોવા છતાં તેમને પ્રવેશ ન આપવામાં આવતા સચિવાલયના પ્રવેશદ્વાર પાસે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.ઘટનાને પગલે થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. 'જુવાર-બાજરીની MSP હેઠળ 6 હજાર કિલો ખરીદી થવી જોઈએ' વિરોધ નોંધાવવા કેટલાક ખેડૂત આગેવાનો સાયકલ લઈ પણ ગાંધીનગર પહોંચ્યા હતા.ખેડૂતોનું કહેવું છે કે MSP હેઠળ જુવાર અને બાજરીની આશરે 6 હજાર કિલો સુધી ખરીદી થવી જોઈએ, પરંતુ હાલમાં માત્ર 2 હજાર કિલો જેટલી ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. 'આગોતરી સૂચના વિના ખરીદીની મર્યાદામાં ફેરફાર' ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓએ કોઈપણ પ્રકારની આગોતરી સૂચના આપ્યા વિના ખરીદીની મર્યાદામાં ફેરફાર કર્યો છે. જેના કારણે રાજ્યભરના ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ખરીદીની જૂની વ્યવસ્થા યથાવત રાખવાની માંગ ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ટેકાના ભાવે ખરીદી અંગે તંત્રના મનઘડત નિર્ણયોને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.આ મુદ્દે આજે રાજ્ય સરકારના સંબંધિત મંત્રી સમક્ષ રજૂઆત કરીને ખરીદીની જૂની વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરવામાં આવશે.ખેડૂતોના વિરોધ અને રજૂઆત બાદ સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે રાજ્યભરના ખેડૂતોની નજર મંડાઈ છે.
Read Original Article →