દબાણ હટાવવાની કામગીરી સામે વસાહતમંડળમાં રોષ:માર્ગ મકાન વિભાગના સચિવને પત્ર લખી 'મિની ચંડોળા' જેવી સ્થિતિની ભીતિ વ્યક્ત કરી, અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માગ

Gujarat5/21/2026, 9:19:29 AM
દબાણ હટાવવાની કામગીરી સામે વસાહતમંડળમાં રોષ:માર્ગ મકાન વિભાગના સચિવને પત્ર લખી 'મિની ચંડોળા' જેવી સ્થિતિની ભીતિ વ્યક્ત કરી, અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માગ
ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે દબાણો, ઝૂંપડપટ્ટીઓ અને કોમર્શિયલ દબાણોની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે વસાહત મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર લખીને શહેરમાં ભવિષ્યમાં મિની ચંડોળા જેવી સ્થિતિની ભીતિ વ્યક્ત કરી સત્વરે ઘટતી કાર્યવાહી હાથ ધરવા માગ કરાઈ છે. વસાહત મંડળનો માર્ગ-મકાન વિભાગના સચિવને પત્ર શહેરમાં વધતા જતાં ઝૂંપડા સહિતના ગેરકાયદે લારી ગલ્લાના દબાણો મામલે વસાહત મંડળ દ્વારા માર્ગ મકાન વિભાગના સચિવને લેખિત રજૂઆત કરાઈ છે. વસાહત મંડળના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા બ્યુટીફિકેશન અને દબાણ ઢાંકવાના નામે કરોડોના ખર્ચે જે તોતિંગ દીવાલો કે તારની ફેન્સિંગ કરવામાં આવી રહી છે તે વાસ્તવિકતાથી મોં છુપાવવા જેવી શાહમૃગ નીતિ સમાન છે. પાટનગરમાં મિની ચંડોળા જેવી સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યક્ત કરી મૂળ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેને માત્ર બહારથી ઢાંકવાનો બિનઅસરકારક પ્રયાસ થઈ રહ્યો છે, જે જનહિતમાં નથી. આ પત્રમાં ગાંધીનગરની ભૌગોલિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું છે કે, જો આ ગેરકાયદે દબાણો પર સમયસર અંકુશ નહીં મેળવાય તો ભવિષ્યમાં પાટનગરમાં મિની ચંડોળા કે ધારાવી જેવી વિસ્ફોટક અને બેકાબૂ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. સેક્ટર-5માં દબાણોમાં વધારો થયાનો પત્રમાં ઉલ્લેખ ખાસ કરીને સેક્ટર-5 આવેલી પાણીની ટાંકીની આજુબાજુ, ધાર્મિક સ્થળો અને સરકારી દવાખાનાની આસપાસ તેમજ 5D સેક્ટર જેવા અવાવરુ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ અને દબાણોના રાફડા ફાટી નીકળ્યા છે. સમગ્ર શહેરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત અધૂરી દીવાલો અને ખંડેર જેવી ફેન્સિંગના કારણે અંદરના ભાગમાં શું ચાલી રહ્યું છે તે બહારથી જોઈ શકાતું નથી. 'દબાણોને કાયમી હટાવી ત્યાં વનીકરણ કરવું જોઈએ' વધુમાં અસામાજિક તત્વો સમયાંતરે દીવાલોના સ્લેબ તોડીને અંદર ઘૂસી જતા હોવાથી આવી જગ્યાઓ ગુનાખોરી પ્રવૃત્તિઓ માટે સેફ ઝોન બની ગઈ છે. વસાહતમંડળે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સરકારના વિવિધ વિભાગો આ અમારું કાર્યક્ષેત્ર નથી કહીને જવાબદારી એકબીજા પર ઢોળવામાં સમય બગાડે છે. જેનો લાભ લઈને દબાણકર્તાઓ કાયમી અડ્ડો જમાવી લે છે. તંત્રને સૂચન કરવામાં આવ્યું છે કે દેખાડા માટે જેલ જેવી તોતિંગ દીવાલો પાછળ બિનજરૂરી સરકારી નાણાંનો વ્યય કરવાને બદલે દબાણોને કાયમી ધોરણે હટાવી ત્યાં વનીકરણ કરવું જોઈએ અથવા ખુલ્લા જાહેર પ્લોટ વિકસાવવા જોઈએ. 'સરકારે ગંભીરતાથી વિચારવું જરૂરી' જો સરકાર આ દબાણો હટાવવા સક્ષમ ન હોય તો તેને કાયમી જાહેર કરીને પાકા મકાનો ફાળવી દેવા જોઈએ. પરંતુ અધવચ્ચે લટકતી વ્યવસ્થા બંધ થવી જોઈએ. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજાનાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા વિદેશી પ્રતિનિધિઓ, રમતવીરો અને નિરીક્ષકો સમક્ષ પાટનગરની કેવી છાપ ઊભી થશે તેનો સરકારે ગંભીરતાથી વિચાર કરવો પડશે. વસાહતમંડળે માગ કરી છે કે દરેક બે સેક્ટર દીઠ એક જવાબદાર અધિકારી અથવા વિશેષ વિજિલન્સ ટીમની નિમણૂક કરીને સતત મોનિટરિંગ કરવામાં આવે અને એકવાર દબાણ હટ્યા પછી ત્યાં ફરી દબાણ ન થાય તે માટે જેતે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવે. આ મામલે વન વિભાગના સચિવ અને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પણ નકલ રવાના કરીને તાત્કાલિક કડક પગલાં ભરવા અનુરોધ કરાયો છે.
Read Original Article →