કાયમી ભરતીના બદલે જ્ઞાન સહાયકથી ગાડું ગબડાવાતા TET-1ના ઉમેદવારોમાં રોષ:રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા, શિક્ષણમંત્રીએ જવાબ આપવાનું ટાળી કહ્યું- 'નિયામકને પૂછો'
ગુજરાતમાં સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયકની ભરતી ન કરાતા નોકરીની રાહ જોઈ રહેલા TET-1 પાસ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યભરમાંથી આજે નારાજ ઉમેદવારો ગાંધીનગર રજૂઆત માટે પહોંચ્યા હતા. 11,000 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું નથી અને બીજી તરફ સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરી રહી છે જેના કારણે ઉમેદવારોની નારાજગી વધી છે. સરકાર શા માટે વિદ્યા સહાયકની કાયમી ભરતી નથી કરી રહી તે અંગે શિક્ષણ મંત્રીને સવાલ કરાતા પ્રદ્યુમન વાજાએ જવાબ આપવાનું ટાળતા કહ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ નિયામકને પૂછો. TET-1 પાસ 10,800 ઉમેદવારો કાયમી નોકરીની રાહમાં
મીનાવાડા (ખેડા)ના સંજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં TET-1 પાસ આશરે 10,800 ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી જ્ઞાન સહાયક ભરતી માત્ર એક વિકલ્પ છે, કાયમી ઉકેલ નથી. રાજ્યમાં હજારો જગ્યાઓ ખાલી છે ત્યારે જ્ઞાન સહાયકની જગ્યાએ સીધી વિદ્યા સહાયક ભરતી શરૂ કરવી જોઈએ. 2024 બાદ નિયમિત ભરતી થઈ નથી અને હવે 2025 તથા 2026ની ભરતી એકસાથે આવી હોવાથી ઉમેદવારોમાં અનિશ્ચિતતા વધી છે. જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષકની ભરતી કરવા માગ
મહેસાણાના કિંજલબા રાજપૂતે જણાવ્યું હતું કે RTI મુજબ 17 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે છતાં સરકાર ઓછી જગ્યાઓ જાહેર કરી ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવે છે. ત્યારબાદ નવી નીતિઓ અને નિયમો લાવી ભરતી પ્રક્રિયા લાંબી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આંતરીયાળ ગામડાંઓમાં એક જ શિક્ષક અનેક ધોરણો સંભાળે છે અને વિદ્યાર્થીઓ નવા શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ મેદાનમાં જઈ શાળાઓની વાસ્તવિક સ્થિતિ જોવી જોઈએ. ઉમેદવારોએ પોતાની આર્થિક સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. PTC પૂર્ણ કર્યા બાદ ઘણા ઉમેદવારો આગળનો અભ્યાસ કરી શક્યા નથી અને ખાનગી શાળાઓમાં માત્ર 6થી 7 હજાર રૂપિયાનો પગાર મળતો હોવાથી જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. TET પાસ ઉમેદવારોને ખાનગી શાળાઓ પણ કાયમી ભરતી થઈ જવાની ભીતિથી નોકરી આપવા તૈયાર નથી, જેના કારણે અનેક ઉમેદવારો બેરોજગારી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઉમેદવારોએ જ્ઞાન સહાયક ભરતીને બદલે કાયમી વિદ્યા સહાયક ભરતી કરવાની માંગ કરી હતી અને સરકાર તરફથી ટૂંક સમયમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભરતીમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે?, શિક્ષણ મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું
વિદ્યા સહાયકોની ભરતીમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે જામણા માટે ભાસ્કરે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનો સંપર્ક કર્યો હતો. પરંતુ, તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામક ને પૂછો તેવું કહીને જવાબદારીથી હાથ ઊંચા કર્યા હતા. પ્રાથમિક શિક્ષણ નિયામકે કહ્યું- 'વહેલીતકે ભરતી પ્રક્રિયા કરાશે'
આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રયાસ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે હાલ શિક્ષકોની અછતને ધ્યાનમાં રાખીને જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે, જ્યારે કાયમી ભરતી પૂર્ણ થયા બાદ વિદ્યા સહાયકોને નિયમિત નિમણૂક આપવામાં આવશે. જ્ઞાન સહાયકને માસિક 21 હજાર અને વિદ્યાસહાયકને 26,000 પગાર
રાજ્ય સરકાર વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ઝડપી અને સમયસર કરે તો TET-1 પાસ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે વિદ્યા સહાયક તરીકે માસિક 26,000 રૂપિયાનો પગાર મળી રહે. પાંચ વર્ષ બાદ નોકરી કાયમી પણ થઈ જાય. જ્યારે તેની સામે ધોરણ 1 થી 5માં જ્ઞાન સહાયક તરીકે જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે તેને માસિક 21,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેની નોકરીનો સમયગાળો 11 મહિનાનો જ હોય છે અને આ સમયગાળા દરમિયાન પણ જો તેની જગ્યા પર કાયમી શિક્ષક આવી જાય તો તેને છૂટા કરી દેવામાં આવતા હોય છે. રાજ્યમાં હાલ 11,000 જેટલા જ્ઞાન સહાયક કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં જ્યાં પણ શિક્ષકોની ઘટ છે ત્યાં સરકાર હાલ જ્ઞાન સહાયકથી જ કામ ચલાવી રહી છે. હવે 48 વર્ષની ઉંમરે બની શકશો જ્ઞાન સહાયક:રાજ્ય સરકારનો શિક્ષકોની અછત દૂર કરવા નિયમોમાં ફેરફાર, વયમર્યાદા 8 વર્ષ વધારી; ઉમેદવાર એક જ જિલ્લો પસંદ કરી શકશે રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારા ઠરાવ મુજબ જ્ઞાન સહાયક માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. ઉપરાંત ભરતી પ્રક્રિયા, મેરીટ તૈયાર કરવાની પદ્ધતિ અને ખાલી જગ્યાઓ ભરવાના નિયમોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →