ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી:રાજેશ પટેલ પ્રમુખ, ભરતભાઈ ચૌધરી ઉપપ્રમુખ અને દિલીપસિંહ સોલંકી કારોબારી ચેરમેન બનશે
ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. સામાન્ય સભા પૂર્વે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિલીપસિંહ સોલંકીના નામો પર મહોર લાગી છે. રાજકીય સમીકરણો અને પક્ષના મેન્ડેટને જોતા આ વરણી હવે માત્ર ઔપચારિકતા સમાન ગણાઈ રહી છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરીશું
નવા સુકાનીઓની પસંદગી અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જિલ્લા પંચાયત પ્રમુખ પદના ઉમેદવાર રાજેશભાઈ પટેલે પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પક્ષે મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે, તે બદલ હું પક્ષનો ઋણી છું. જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને વધુ સઘન બનાવીને વિકાસના કામોને નવી ગતિ આપવી એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. રાજેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સાસંદ અમિતભાઈ શાહના સંસદીય મતવિસ્તારમાં આવતા વિવિધ વિકાસ કાર્યોને પણ વધુ વેગવંતા બનાવવામાં આવશે. લોકોએ જે જનાદેશ અને વિશ્વાસ અમારા પર મૂક્યો છે, તેના પર ખરા ઉતરીને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરીશું. નવી ટીમ વિકાસના એજન્ડા સાથે આગળ વધશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકલ ઓથોરિટી (સુધારા) અધિનિયમ મુજબ, હવે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદત અઢી વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે. આ નવા નિયમ અંતર્ગત જ પ્રમુખ, ઉપપ્રમુખની સાથે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની પણ અઢી વર્ષ માટે વરણી કરવામાં આવી છે. આગામી સમયમાં આ નવી ટીમ ગાંધીનગર જિલ્લાના વિકાસના એજન્ડા સાથે આગળ વધશે.
Read Original Article →