પોર્ટરમાં કિંમતી ચીજવસ્તુઓ મંગાવવી ભારે પડી શકે!:ગાંધીનગરમાં ડિલિવરી બોયે અકસ્માતનું તરકટ રચી 80 હજારનો મોબાઈલ ઓળવી લીધો, આખરે ગુનો નોંધાયો

Gujarat5/14/2026, 4:46:52 AM
પોર્ટરમાં કિંમતી ચીજવસ્તુઓ મંગાવવી ભારે પડી શકે!:ગાંધીનગરમાં ડિલિવરી બોયે અકસ્માતનું તરકટ રચી 80 હજારનો મોબાઈલ ઓળવી લીધો, આખરે ગુનો નોંધાયો
ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશનના ભરોસે મોંઘીદાટ વસ્તુઓ મોકલતા ગ્રાહકો અને વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. પોર્ટર એપ્લિકેશન દ્વારા મોબાઈલની હેરાફેરી કરવાના બહાને એક ડિલિવરી બોયે 80,000ની કિંમતનો સ્માર્ટફોન ઓળવી જઈને અકસ્માતનું નાટક રચી હાથ અધ્ધર કરી લેતાં સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફોન પોર્ટરમાં મંગાવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્માર્ટ ફોન કાફે ચલાવતા અંકિતાબેન કાંચડીયાએ તેમના સેક્ટર-21 સ્થિત સ્ટોર પરથી એક ગ્રાહક માટે વિવો એક્સ-300 એફ.ઈ. મોડલનો ફોન પોર્ટર મારફતે મંગાવ્યો હતો. ગઇકાલે 13 મેના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રાજેશ રામગોપાલ કુશવાહ નામનો ડિલિવરી બોય પોતાની બાઈક પર આ કિંમતી મોબાઈલ લઈને રવાના થયો હતો. મોબાઇલ બાબતે સ્પષ્ટ જવાબ ના આપ્યો જોકે થોડા સમય બાદ રાજેશ કુશવાહએ સ્ટોર મેનેજરને ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો ઇન્ફોસિટી બ્રિજ પાસે અકસ્માત થયો છે અને તેની પાસે રહેલો મોબાઈલ ગૂમ થઈ ગયો છે. આ સાંભળી મેનેજર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રાજેશ ત્યાં જ હતો. પરંતુ મોબાઈલ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપવાને બદલે તેણે સીધી જ ફોનના પૈસા ભરી દેવાની વાત કરી હતી. ફોન અંગત ઉપયોગ માટે ઓળવી જઈને વિશ્વાસઘાત કર્યો જેના પગલે શંકા આધારે માલૂમ પડ્યું હતું કે રાજેશે ફોન પોતાના અંગત ઉપયોગ માટે ઓળવી જઈને વિશ્વાસઘાત કર્યો છે. આ મામલે અંકિતાબેનની ફરિયાદના આધારે સેકટર 7 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →