226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કમાં નવો ઘટસ્ફોટ:'હમાસ' આતંકી સંગઠન સાથેના વ્યવહારો ખૂલ્યા, અમદાવાદના શખસે 42 લાખનું ફંડીગ કર્યું

Gujarat5/24/2026, 9:50:51 AM
226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કમાં નવો ઘટસ્ફોટ:'હમાસ' આતંકી સંગઠન સાથેના વ્યવહારો ખૂલ્યા, અમદાવાદના શખસે 42 લાખનું ફંડીગ કર્યું
226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ડાર્કવેબ પર ડ્રગ્સનો વેપાર, ગંભીર સાયબર ફ્રોડ અને વૈશ્વિક આતંકવાદી સંગઠનોને "ડર્ટી ક્રિપ્ટો" (Dirty Crypto)ના માધ્યમથી ફંડિંગ પૂરું પાડતી સંગઠિત ટોળકીના મુખ્ય ફરાર આરોપી ગુલામઅલી કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. આ 226.54 કરોડ રૂપિયાના તાર સીધા પેલેસ્ટાઈનના આતંકી સંગઠન 'હમાસ' (Hamas) અને બ્રિટનના ડ્રગ્સ સામ્રાજ્ય સાથે જોડાયેલા છે. આરોપી છેલ્લા દોઢ-બે વર્ષથી આરોપી ઉદયપુરમાં છુપાયેલો હતો સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સના ટેકનિકલ યુનિટ દ્વારા ક્રિપ્ટોકરન્સી બ્લોકચેઇન એનાલિસિસની મદદથી અગાઉ આ કેસમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ કેસમાં છેલ્લા દોઢ-બે વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં છુપાઈને રહેતો અને મૂળ અમદાવાદના દાણીલીમડાનો વતની એવો 25 વર્ષીય આરોપી ગુલામઅલી ઇમ્તીયાઝઅહેમદ કુરેશી લાંબા સમયથી ફરાર હતો. સાયબર ક્રાઈમની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ ટ્રેકિંગના આધારે તેની ધરપકડ કરી 2 નંગ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી અમદાવાદથી દુબઈ જઈને તેના મિત્ર પાસે USDT ની લે-વેચનું કામ શીખ્યો હતો અને પરત આવી પોતાના પિતાના બાયનાન્સ (Binance) વૉલેટ આઈડીથી આશરે 10થી 15 કરોડની લે-વેચ કરી હતી. ઇઝરાયેલ-હમાસ અને વૈશ્વિક આતંકી સંગઠનો સાથે કનેક્શન આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ દરમિયાન પકડાયેલા આરોપી મોહંમદઝુબેર પોપટિયાનું વોલેટ ઇઝરાયેલની સરકારી એજન્સી NBCTF (National Bureau for Counter Terror Financing) દ્વારા વર્ષ 2025માં સીઝ કરાયેલા વૉલેટો સાથે સીધું લિંક થયેલું જોવા મળ્યું છે. આ વોલેટ હમાસ આતંકી સંગઠન સાથે સંકળાયેલી 'Dubai Company for Exchange' સાથે સીધા વ્યવહારો ધરાવતું હતું. (વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો) આ ઉપરાંત, અમેરિકાની OFAC દ્વારા પ્રતિબંધિત કરાયેલા યમનના આતંકવાદી જૂથ 'અંસાર અલ્લાહ' (હુથિ), ઈરાનના 'IRGC-QF', અને રશિયાના પ્રતિબંધિત એક્સચેન્જ 'Garantex' માંથી પણ આ નેટવર્કના વૉલેટોમાં અલગ-અલગ લેયરમાં ફંડ ટ્રાન્સફર થયું હતું. પકડાયેલા આરોપી ગુલામઅલીના વોલેટમાં ઝૈદ સિદ્દીકીના ખાતામાંથી આશરે 43 લાખ રૂપિયાની "Dirty Crypto" ટ્રાન્સફર થઈ હોવાનું સાબિત થયું છે, જેમાંથી 42 લાખ રૂપિયાનું ગેરકાયદેસર ફંડિંગ આતંકી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ટેરર ફંડિંગ છુપાવવા અનામી ક્રિપ્ટોકરન્સીનો સહારો લીધો આ ટોળકીની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) મુજબ, ડાર્કવેબ પર ગેરકાયદેસર નાર્કોટિક્સ વેચતી વેબસાઇટ 'ARTEMISLAB.CC' મારફતે મોહસીન સદીક મોલાણીના વોલેટમાં ફંડ આવતું હતું. મોહસીન ટેલિગ્રામ અને ઓનલાઈન માધ્યમોથી બ્રિટન માટે ડ્રગ્સના ઓર્ડર લેતો અને દુબઈ બેઠેલા મોહમ્મદઝુબેર પોપટિયાને મોકલતો, જે બ્રિટનમાં પોતાના નેટવર્કથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ નેટવર્કનો અન્ય મુખ્ય સૂત્રધાર સલમાન ગુલામઅલી અન્સારી ઑક્ટોબર-2024થી બ્રિટનની જેલમાં 6 વર્ષની સજા કાપી રહ્યો હોવા છતાં જેલની અંદરથી જ આ નેટવર્ક ચલાવતો હતો. આ ડ્રગ્સ મની અને ટેરર ફંડિંગ છુપાવવા માટે તેઓ ટ્રેસ ન થઈ શકે એવી અનામી 'મોનેરો' (Monero) ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા અને ત્યારબાદ આ નાણાંને પીટુપી (P2P) માધ્યમથી 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' દ્વારા કેશમાં કન્વર્ટ કરી હવાલા અને આંગડિયા મારફતે સલમાનના પિતા ગુલામ સાદિક અન્સારી સુધી પહોંચાડતા હતા. સાયબર ક્રાઈમની 935 ફરિયાદો અને 60 બેંક એકાઉન્ટ ફ્રીઝ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગુલામઅલી કુરેશી આ તમામ ગેરકાયદેસર પૈસાને ભારતીય ચલણમાં ફેરવવા માટે દેશના નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે રાખતો હતો. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP)ના ડેટા એનાલિસિસ મુજબ, આ આરોપીઓના બાયનાન્સ એકાઉન્ટ સાથે જોડાયેલા P2P બેંક એકાઉન્ટ્સ સામે છેતરપિંડી અને સાયબર ક્રાઈમની કુલ 935 ફરિયાદો નોંધાયેલી છે. ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને કારણે આરોપી ગુલામઅલીના આશરે 60 જેટલા બેંક એકાઉન્ટ્સ અગાઉથી જ ફ્રીઝ થઈ ચૂક્યા હતા. (વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો) મિત્ર દેશોની સલામતી વિરૂદ્ધ કામ કરવા, સંગઠિત ગુનાખોરી આચરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને આર્થિક સહાય પૂરી પાડવા બદલ આ ટોળકી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 111(2)(B) [સંગઠિત ગુનો]અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2008ની કલમ 66(C) તથા 66(D) હેઠળ ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર સેલની જનતાને મહત્વની અપીલ બેન્ક એકાઉન્ટ ભાડે ન આપો: સામાન્ય કમિશનની લાલચમાં આવીને કોઈ અજાણી વ્યક્તિને પોતાનું બેંક ખાતું વાપરવા ન આપો. તેનો ઉપયોગ ડ્રગ્સ કે આતંકી ફંડિંગમાં થઈ શકે છે, જેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. શંકાસ્પદ વ્યવહારોથી બચો: ક્રિપ્ટો પ્લેટફોર્મ પર અજાણ્યા લોકો સાથે P2P ટ્રેડિંગ કરવાનું ટાળો. તાત્કાલિક ફરિયાદ કરો: જો કોઈ સાયબર ફ્રોડ થાય, તો તુરંત જ ગવર્મેન્ટ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર સંપર્ક કરો. 'ગોલ્ડન અવર' (શરૂઆતના સમય) માં ફરિયાદ કરવાથી 50% વધુ પૈસા હોલ્ડ કરાવી શકાય છે.
Read Original Article →