600થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને ઘરે બેઠવાનો વારો:એક વર્ષથી અટકેલી CPS પરીક્ષાને લઈ પ્રેક્ટિસથી વંચિત; આજે સરકારના શરણે પહોંચ્યા
ગાંધીનગરમાં આજે કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સના 600થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ પોતાની કારકિર્દી પર લાગેલા બ્રેકને હટાવવા માટે સરકારના દ્વાર ખખડાવ્યા હતા. એક તરફ રાજ્યમાં નિષ્ણાત તબીબોની અછત વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલા આ તબીબો માત્ર પરીક્ષાના અભાવે પ્રેક્ટિસથી વંચિત હોવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને આજે ડોક્ટરોએ સરકારમાં રજૂઆત કરી હતી. CPS ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદનપત્ર
આજે ગાંધીનગરમાં CPS ડોક્ટર એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં તબીબો એકઠા થયા હતા. આ ડોક્ટરોએ નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત આ કોર્સના વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષાઓ કાયદાકીય ગૂંચવણોને કારણે છેલ્લા એક વર્ષથી સ્થગિત છે. કેમ કે એપ્રિલ 2025માં યોજાનારી પરીક્ષાઓ હજુ સુધી લેવાઈ નથી, જેના કારણે ગુજરાતના અંદાજે 600થી વધુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોસ્પિટલોમાં સેવા આપી શકતા નથી કે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકતા નથી. કાયદાકીય ગૂંચ અને સુપ્રીમ કોર્ટનો મામલો
આજે તબીબોએ આક્ષેપ સાથે રજૂઆત કરતા જણાવ્યું કે, હાલ આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન છે, પરંતુ નેશનલ મેડિકલ કમિશન અને કેન્દ્ર સરકાર તરફથી સમયસર પ્રતિભાવ ન મળવાને કારણે કેસ લાંબો ખેંચાઈ રહ્યો છે. વચગાળાના રસ્તા તરીકે સેવા આપવાની તૈયારી
ગુજરાત સરકાર આ બાબતે સક્રિય મધ્યસ્થી કરે અને સુપ્રીમ કોર્ટમાં મજબૂત સોગંદનામું રજૂ કરી વહેલી સુનાવણી માટે પ્રયાસ કરે. રાજ્ય સરકાર પોતાની સત્તા હેઠળ આ વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરે તો જ આ કાનૂની ગૂંચ ઉકેલાય તેમ છે. ડોક્ટરોએ માંગ કરી છે કે જ્યાં સુધી પરીક્ષાની તારીખ નક્કી ન થાય ત્યાં સુધી તેમને સરકારી હોસ્પિટલોમાં ક્લાસ-1 અધિકારીના પગાર ધોરણ મુજબ જુનિયર ડોક્ટર તરીકે સેવા આપવાની તક આપવામાં આવે. તબીબોની વ્યથા
આ અંગે ડોક્ટર નિશા પ્રજાપતિએ કહ્યું કે, અમે તમામ અભ્યાસ પૂર્ણ કર્યો છે, છતાં માત્ર એક પરીક્ષાના કારણે ઘરે બેસવાનો વારો આવ્યો છે. સરકાર અમને બોન્ડ સેવા શરૂ કરવાની મંજૂરી આપે તો અમે લોકોની સેવામાં કામ આવી શકીએ. જ્યારે ડોક્ટર અબ્દુલભાઈએ કહ્યું કે,કાયદાકીય લડાઈમાં વિદ્યાર્થીઓનો સમય વેડફાઈ રહ્યો છે. અમારી માંગ છે કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓના પક્ષમાં મજબૂત રજૂઆત કરે, જેથી વહેલી તકે પરીક્ષાઓ યોજાય. આ સમયગાળાને તેમની બોન્ડ સર્વિસમાં ગણતરીમાં લેવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ સંવેદનશીલ મુદ્દે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી તબીબોએ ઉચ્ચારી છે.
Read Original Article →