ચોમાસા પૂર્વે ગાંધીનગર વહીવટી તંત્ર એલર્ટ:આપત્તિ સમયે પેપર વર્ક વિના રાહત કામગીરી શરૂ કરવા કલેક્ટરનો આદેશ, આફત સામે મૌસમ, દામિની અને સચેત એપ રક્ષણ આપશે

Gujarat5/21/2026, 1:11:05 PM
ચોમાસા પૂર્વે ગાંધીનગર વહીવટી તંત્ર એલર્ટ:આપત્તિ સમયે પેપર વર્ક વિના રાહત કામગીરી શરૂ કરવા કલેક્ટરનો આદેશ, આફત સામે મૌસમ, દામિની અને સચેત એપ રક્ષણ આપશે
આગામી ચોમાસાને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રિ-મોન્સૂન અંગની બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ચોમાસા દરમિયાન ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાય તો પેપર વર્કની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂકાયો આજે યોજાયેલી બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂકતા કલેક્ટરે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર એવી વસ્તુ છે જેમાં વહીવટી તંત્રની તૈયારી સંપૂર્ણ 100 ટકા હોવી જોઈએ. પરંતુ આશા એવી રાખવી જોઈએ કે આ તૈયારીઓનો ઉપયોગ કરવાની જરૂરિયાત બિલકુલ ઊભી ન થાય. આ કોઈ રૂટિન કાર્ય નથી. પરંતુ પૂરતી જાગૃતિ અને ગંભીરતા સાથે કરવાનું અત્યંત મહત્વનું કાર્ય છે. નીચાણવાળા વિસ્તારો આઈડેન્ટિફાઇડ કરી આગોતરી તૈયારી જિલ્લાના છેલ્લા 10 વર્ષના સરેરાશ વરસાદના આંકડા અને વધુ વરસાદથી પ્રભાવિત થતા નીચાણવાળા વિસ્તારોને આઈડેન્ટિફાઇડ કરી તાત્કાલિક ધોરણે આગોતરી તૈયારીઓ કરવા સૂચના આપી છે. ખાસ કરીને દહેગામના અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોનું મેપિંગ કરી જરૂરી વ્યવસ્થા ઊભી કરવા તેમજ જિલ્લાના ભયજનક સ્થળોની યાદી બનાવી જરૂર પડે ત્યારે NDRF ટીમની મદદ લેવા સૂચના આપી છે. જરૂર પડ્યે તાત્કાલિક બેરિકેટિંગ કરવાની સૂચના જ્યારે આપત્તિ સમયે સંકલન માટે તાલુકા વાઈઝ લાઇઝન અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. વરસાદ પૂર્વેની નગર આયોજનની કામગીરી અંગે કલેક્ટરે કડક સૂચના આપતા વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય ત્યાં પૂરતી તકેદારી રાખવી અને જરૂર જણાય તો તાત્કાલિક બેરિકેટિંગ કરી લોકોની અવરજવર બંધ કરાવવી. કાંસ અને કેનાલોની યોગ્ય સફાઈ કરવી આ સાથે જ ચોમાસા પૂર્વે જિલ્લામાં લાગેલા તમામ મોટા હોર્ડિંગ્સની ચકાસણી કરી સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા અને જો કોઈ જોખમ જણાય તો તેવા હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા . અને પાણીના નિકાલ માટે કાંસ અને કેનાલોની યોગ્ય સફાઈ સમયસર પૂર્ણ કરી લેવી જેથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય. મૌસમ, દામિની અને સચેત એપ લોકોએ ડાઉનલોડ કરી લેવી બીજી તરફ કુદરતી આફતો સામે નાગરિકો પોતાની સુરક્ષા જાતે જ સુનિશ્ચિત કરી શકે તે માટે કલેક્ટરે એક ડિજિટલ સુરક્ષા કવચ સમાન મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જિલ્લાના તમામ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના મોબાઈલમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી ત્રણ ખાસ એપ્લિકેશન મૌસમ, દામિની અને સચેત ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો છે. ટેકનોલોજીના માધ્યમથી કુદરતી આફતોની નુકસાની નહિવત કરી શકાય તેમ હોવાથી તમામ સરકારી કર્મચારીઓ માટે આ એપ્સ ડાઉનલોડ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે જેથી આપત્તિના સમયે ક્વિક રિસ્પોન્સ આપી શકાય. મૌસમ એપ લોકેશન આધારિત હવામાનની સચોટ માહિતી આપશે આ એપ્લિકેશન્સની વિશેષતા અંગે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી મૌસમ એપ લાઈવ લોકેશનના આધારે હવામાનની સચોટ આગાહી અને ભારે વરસાદની સ્થિતિમાં કલર-કોડેડ એલર્ટ આપે છે. જ્યારે દામિની એપ 20થી 40 કિલોમીટરના દાયરામાં વીજળી પડવાની સંભાવના વિશે 15થી 30 મિનિટ પહેલાં એલર્ટ મોકલીને માનવ અને પશુધનની જિંદગી બચાવવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલી સચેત એપ પૂર અને વાવાઝોડા જેવી આફતો સમયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત ચેતવણીઓ સીધી નાગરિકો સુધી પહોંચાડીને કટોકટીના સમયે ગાઈડ તરીકે કામ કરે છે. આ ત્રણેય એપ્સ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર તદ્દન મફત ઉપલબ્ધ છે.
Read Original Article →