લીવરમાંથી હજારો 'ડોટર સિસ્ટ' દૂર કરી આપ્યું નવું જીવન:ગાંધીનગર સિવિલની મોટી સિદ્ધિ, 39 વર્ષીય યુવકની લીવર હાઇડેટીડ સિસ્ટની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી
ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીની લીવર હાઇડેટીડ સિસ્ટની અત્યંત જટિલ અને જોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને જીવના જોખમ સામે સિવિલના તબીબોએ નિઃશુલ્ક અને સુરક્ષિત સારવાર આપી આશાનું કિરણ પૂરું પાડ્યું છે. લીવરમાં હજારોની સંખ્યામાં નાની-મોટી 'ડોટર સિસ્ટ' ભરાયેલી હતી
વર્ષ 2021થી બીમારીનો સામનો કરી રહેલા આ દર્દીએ અનેક હોસ્પિટલોના સંપર્ક કર્યા હતા, પરંતુ સર્જરીમાં રહેલા જોખમને કારણે તેમનો પરિવાર ભયમાં હતો. અંતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ દર્દી અને તેના સગાઓને રોગ વિશે વિગતવાર સમજણ આપી તેમનો ડર દૂર કર્યો હતો. પરિવારની સંમતિ બાદ સર્જરી હાથ ધરતા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે લીવરમાં રહેલી મુખ્ય હાઇડેટીડ સિસ્ટ (મધર સિસ્ટ) ની અંદર હજારોની સંખ્યામાં નાની-મોટી 'ડોટર સિસ્ટ' ભરાયેલી હતી. આ જટિલ ઓપરેશનમાં સર્જન ડો. નિયતિ લાખાણી, ડો. પ્રતિક શાહ, ડો. બિન્નલ પંચાલ અને ડો. પ્રતિક પટેલની ટીમે સાવચેતીપૂર્વક તમામ સિસ્ટને લીવરને નુકસાન પહોંચાડ્યા વગર દૂર કરી હતી. આ પ્રક્રિયામાં એનેસ્થેટિસ્ટ ડો. ભારતી રાજાણી, ડો. પ્રિયંકાબેન અને તેમની ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શું છે આ બીમારી અને તેનું જોખમ?
આ રોગ Echinococcus granulosus નામના કરમિયા દ્વારા ફેલાતા ચેપને કારણે થાય છે. શરીરમાં લીવર જેવા અંગમાં જ્યારે આ જીવ ઘર બનાવે ત્યારે એક મોટી કોથળી (મધર સિસ્ટ) બને છે, જેની અંદર સમય જતાં નાની અનેક કોથળીઓ (ડોટર સિસ્ટ) પેદા થાય છે. ડોટર સિસ્ટની સંખ્યા વધવાથી અંગો પર દબાણ વધે છે, જેનાથી અસહ્ય દુ:ખાવો અને પાચનની સમસ્યા થાય છે. જો સર્જરી દરમિયાન એક પણ સિસ્ટ અંદર ફાટી જાય, તો ગંભીર એલર્જીક રિએક્શન આવવાનું અથવા રોગ આખા શરીરમાં ફેલાવાનું જોખમ રહેલું હોય છે. પાંચ વર્ષની સતત પીડા બાદ મળેલી આ સફળતાથી દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ અને ભયમુક્ત છે. વર્ષોની હાડમારીનો અંત આવતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને સહાયક સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
Read Original Article →