સરગાસણના સિનેમા હોલમાં દંપતી પર હુમલો:બે યુવક સાથે યુવતીની અણછાજતી હરકતો-વાતોથી પરિવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું, ટકોર કરતા ત્રણેયએ માર માર્યો

Gujarat5/12/2026, 12:45:45 PM
સરગાસણના સિનેમા હોલમાં દંપતી પર હુમલો:બે યુવક સાથે યુવતીની અણછાજતી હરકતો-વાતોથી પરિવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું, ટકોર કરતા ત્રણેયએ માર માર્યો
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં મોલના સિનેમાહોલમાં મધરાતે મુવી જોતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાજુની સીટ પર બેસીને અસભ્ય વર્તનની સાથે વાતો કરતા બે યુવક અને એક યુવતીને ટોકવા જતાં દંપતી પર ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે યુવતી સહિત ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે યુવક અને યુવતીને અસભ્ય વર્તન કરતા ટકોર કરી હતી પેથાપુરની મહાલક્ષ્મી શ્લોક સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 30 વર્ષીય ધર્મજીતસિંહ ચાવડા ગઈકાલે 11મેની રાત્રે તેમના પત્ની અને 4 વર્ષના પુત્ર સાથે સ્વાગત હોલીડે મોલ ખાતે એન.વાય. સીનેમામાં ફિલ્મ જોવા ગયા હતા. ચાવડા પરિવાર સ્ક્રીન 4 માં બેસીને ફિલ્મની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમની બાજુની સીટ પર બેઠેલા બે યુવક અને એક યુવતી બીજી જ મજા માણી રહ્યા હોય એમ અસભ્ય ભાષામાં વાતો કરી રહ્યા હતા. આથી અવઢવમાં મુકાઈને ધર્મજીતસિંહના પત્નીએ આ ત્રણેયને શાંતિથી બેસીને ફિલ્મ જોવા ટકોર કરી હતી. અપમાનજનક કોમેન્ટ કરી દંપતીને માર માર્યો આ સાંભળી યુવકોએ ઉશ્કેરાઈને અપમાનજનક કોમેન્ટ કરી હતી. આથી ધર્મજીતસિંહે તેમને સભ્યતાથી વાત કરવા સમજાવ્યા તો બંને અજાણ્યા યુવકો અચાનક આવેશમાં આવી ગયા હતા અને તેમની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ ઝઘડા દરમિયાન બંને યુવકોએ ધર્મજીતસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. તે પૈકીના એક યુવકે તેમનું ગળું દબાવી રાખ્યું હતું. જ્યારે બીજા શખ્સે તેના હાથમાં પહેરેલા કડા વડે ધર્મજીતસિંહના માથાના પાછળના ભાગે અને જમણા પગના ઢીંચણ નીચેના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો આ સમયે સાથે રહેલી અજાણી યુવતીએ પણ તેમના પત્નીને ગાળો આપી લાતો મારી હતી. આ મામલે થિયેટરમાં બૂમાબૂમ થતાં અન્ય પ્રેક્ષકો વચ્ચે પડ્યા હતા. જેના કારણે ત્રણેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. જોકે દંપતિ તેમનો પીછો કરે તે પહેલા તેઓ કારમાં ફરાર થઈ ગયા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જાણવા મળ્યું હતું કે ત્રણેય જણા GJ-18EE-2504 નંબરની ગાડી લઈને આવ્યા હતા. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →