હથિયારની હેરાફેરીનો પર્દાફાશ:ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટથી બસમાંથી બે પિસ્ટલ-કારતૂસ સાથે કર્ણાટકનો યુવક ઝડપાયો, અમદાવાદ ડિલિવરી કરવાનો હતો
ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટ પરથી વધુ એક વખત ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ચિલોડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન દિલ્હી-અમદાવાદ રૂટની ખાનગી લક્ઝરી બસમાંથી બે પિસ્ટલ અને જીવતા કારતુસ સાથે કર્ણાટકના એક યુવકને કુલ 55 હજારના મુદ્દામાલ સાથે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હીથી અમદાવાદ રૂટની બસને રોકી મુસાફરોના સામાનનું ચેકિંગ
ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ. જે.ચૌહાણની ટીમ ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલની સામે નેશનલ હાઈવે નંબર 8 પર બેરીકેડ્સ મૂકીને વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી દિલ્હીથી અમદાવાદ રૂટની જૈન ટ્રાવેલ્સની એક બસને રોકીને મુસાફરોના સામાનનું ચેકિંગ શરૂ કર્યું હતું. બે હાથબનાવટની પિસ્ટલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા
બસના સ્લીપિંગ કોચની નીચેની સીટ નંબર L-2 પર બેઠેલા એક પેસેન્જરના ગ્રે કલરના થેલાની તલાશી લેતા કપડાંની અંદર સંતાડીને રાખેલી બે હાથબનાવટની મેગેઝીનવાળી પિસ્ટલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેના પગલે પકડાયેલા આરોપીએ પોતાનું નામ માઝ ઈર્ષાદ અહેમદ માજીકોતવાલ (ઉં. 21, રહે. બેલગામ, કર્ણાટક) હોવાનું જણાવ્યું હતું. અમદાવાદની હોટલમાં એક વ્યક્તિને આપવા જતો હતો
જેની વધુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ હથિયારો તે અમદાવાદની એક હોટલ ખાતે ગોવિંદસિંગ કમલસિંગ રાઠોડ (રહે. ઉજ્જૈન, મધ્યપ્રદેશ) નામના વ્યક્તિને આપવા જઈ રહ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન પણ તપાસ અર્થે જપ્ત કર્યો છે. પોલીસે કુલ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી માઝ ઈર્ષાદ અહેમદ માજીકોતવાલ અને હથિયાર મંગાવનાર વોન્ટેડ આરોપી ગોવિંદસિંગ કમલસિંગ રાઠોડ વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →