કોઈ દસ્તાવેજ વગર ઓનલાઈન 24 કલાક સેલ્ફ એન્યુમરેશન કરી શકશો:31મે સુધી આ પોર્ટલ પર સ્વ-ગણતરી કરી શકાશે, નાગરિકોને સહભાગી બનવા ગાંધીનગર કલેક્ટરની અપીલ
દેશના સર્વાંગી વિકાસ અને જનહિતલક્ષી યોજનાઓના સચોટ આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી જનગણના 2027' પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્ર નિર્માણના આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકો સક્રિયપણે સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની વિગતો આગામી સમયમાં જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોના સક્ષમ અમલીકરણ માટે પાયારૂપ સાબિત થશે. 24 કલાકમાં ગમે ત્યારે આ પોર્ટલ પરથી સ્વ-ગણતરી કરી શકશો
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરાવવામાં આવી છે. આ ઓનલાઈન ડિજિટલ સુવિધા આગામી 31મે સુધી દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન દર્જ કરી શકશે. કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે પુરાવા અપલોડ કરવાના રહેશે નહીં
આ આધુનિક ડિજિટલ પ્રક્રિયા અંગે વધુ વિગતો આપતા ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની માહિતી ઓનલાઈન નોંધી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે પુરાવા અપલોડ કરવાના રહેશે નહીં, જેથી પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બની રહેશે. ‘SE ID’ ને ઘરે આવનાર અધિકૃત ગણતરીદારને આપવાનો રહેશે
આ પોર્ટલ પર ઓનલાઈન સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ ‘SE ID’ (સેલ્ફ એન્યુમરેશન આઈડી) જનરેટ થશે. આ વિશિષ્ટ આઈડીનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. નાગરિકોએ આ ‘SE ID’ સુરક્ષિત રાખવાનો રહેશે. જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર (એન્યુમરેટર) સંબંધિત પરિવારના ઘરે રૂબરૂ મુલાકાતે આવે, ત્યારે નાગરિકોએ માત્ર આ આઈડી તેમને આપવાનો રહેશે. આ નંબર પરથી મદદ મેળવી શકશો
નાગરિકોનો આત્મવિશ્વાસ વધારતા કલેક્ટરે ઉમેર્યું હતું કે, તેમણે પોતે પણ પોતાની સ્વ-ગણતરી જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ સિસ્ટમ અત્યંત યુઝર-ફ્રેન્ડલી છે. તેમ છતાં જો જિલ્લાના કોઈ પણ નાગરિકને આ ઓનલાઈન ફોર્મ ભરવામાં કે પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો તેઓ માર્ગદર્શન માટે ગાંધીનગર કલેક્ટર કચેરીના સંબંધિત સ્ટાફનો સંપર્ક કરી શકે છે અથવા સરકારના સત્તાવાર ટોલ-ફ્રી નંબર 1855 પર સીધો કોલ કરીને સહાય મેળવી શકે છે. નાગરિકોને સહભાગી બનવા ગાંધીનગર કલેક્ટરની અપીલ
રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને પાયાની પ્રક્રિયામાં ગાંધીનગર જિલ્લાનો દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી તથા સચોટ માહિતી આપીને દેશના વિકાસ અને વિકસિત ભારત ના વિઝનને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી વહીવટી તંત્ર દ્વારા આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →