ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ:બાયસેગની નવી બિલ્ડિંગમાંથી ₹19.59 લાખનો સેન્ટ્રલ એસીનો કોપર સામાન ચોરાયો
પાટનગર ગાંધીનગરના હાઈ-સિક્યોરિટી અને અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાં આવેલી મહત્વની સરકારી સંસ્થા 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ' (BISAG-બાયસેગ) ખાતે ચોરીની ઘટના સામે આવી છે. બાયસેગના કેમ્પસમાં બની રહેલી નવીન બિલ્ડિંગને તસ્કરોએ નિશાન બનાવી સેન્ટ્રલ એસી ફિટિંગ માટે રાખવામાં આવેલો રૂ. 19.59 લાખની કિંમતનો કિંમતી કોપરનો જથ્થો ચોરી લીધો છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. 2023થી ચાલી રહ્યું છે બિલ્ડિંગનું કામકાજ
મૂળ દિલ્હીના વતની અને હાલ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા વરુણ રાજકવર અગ્રવાલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના પિતાના નામે 'ધી ક્રિષ્ણા કન્સ્ટ્રક્શન' નામની કંપની કાર્યરત છે, જે સરકારી બાંધકામના મોટા કોન્ટ્રાક્ટ રાખે છે. આ કંપનીને ગાંધીનગર બાયસેગ ખાતે નવી બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળેલો હોવાથી 2023થી ત્યાં બાંધકામની કામગીરી ચાલી રહી છે. હોલમાં તપાસ કરતાં માત્ર ખાલી બોક્સ જ મળ્યા
નવી બની રહેલી આ આધુનિક બિલ્ડિંગમાં સેન્ટ્રલ એસી ફિટ કરવાનું હોવાથી ગત માર્ચ મહિનામાં એસી ફિટિંગ માટેનો જરૂરી કિંમતી સામાન મંગાવવામાં આવ્યો હતો. આ તમામ સામાન સુરક્ષાના હેતુથી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક ખુલ્લા હોલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત 14 મેના રોજ એસી સિસ્ટમ ફિટિંગનું કામ કરતી એજન્સીના કર્મચારી મનોજભાઈ સાઇટ પર આવ્યા હતા. જ્યારે વરુણ અગ્રવાલ અને તેમના સ્ટોર કીપર કલાકાર મલિક એસીનો સામાન બતાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરના હોલમાં ગયા, ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. હોલમાં એસી મટીરિયલના માત્ર ખાલી બોક્સ પડ્યા હતા અને અંદરથી કિંમતી સામાન ગાયબ હતો. રૂ. 19.59 લાખની મત્તા ચોરીને તસ્કરો ફરાર
કંપનીના સત્તાધિશો દ્વારા તુરંત જ બાકી રહેલા સ્ટોકની ગણતરી અને આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે, તસ્કરો રૂ. 6,57,720ની કિંમતની કોપર કોઇલ અને રૂ. 13.02 લાખની કિંમતની કોપર પાઇપ મળીને કુલ રૂ. 19,59,585નો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ ગયા છે. એક મહત્વપૂર્ણ સરકારી અને વૈજ્ઞાનિક સંસ્થાના કેમ્પસમાંથી આટલી મોટી ચોરી થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તેમજ ત્યાં કામ કરતા મજૂરોની પૂછપરછના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →