ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ:29 દેશના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, ગુજરાત હવે વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનવાની દિશામાં આગળ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય પ્રારંભ થયો હતો. રમતગમત રાજ્ય મંત્રી જયરામ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ભારત સહિત એશિયાના 29 દેશના અંદાજે 400થી વધુ ખેલાડી, કોચ અને ટેકનિશીયનોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓ સ્થાનિક ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ
આ પ્રસંગે રાજ્ય મંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, ગુજરાત હવે માત્ર વિકાસ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન આકર્ષી રહ્યું છે. તેમણે કહ્યું કે આવી વૈશ્વિક સ્તરની સ્પર્ધાઓ સ્થાનિક અને ભારતીય ખેલાડીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર થવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે. ‘સરકારે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલો ઇન્ડિયા’ વિઝનનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે રમતગમત માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. રાજ્યમાં જિલ્લા સ્તરે 39 સ્પોર્ટ્સ સ્કૂલ અને સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે યુવા પ્રતિભાઓને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ ગાંધીનગરમાં વર્ષ 2027 સુધીમાં હાઈ પર્ફોર્મન્સ સેન્ટર કાર્યરત થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. 'ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર વધુ મજબૂત સ્થાન મળશે'
જયરામ ગામીતે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, જ્યારે ભારત વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પણ મક્કમ પ્રયાસો કરી રહ્યું છે. ઉપરાંત વર્ષ 2029માં યોજાનારી ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ મેપ પર વધુ મજબૂત સ્થાન અપાવશે. ‘આવી સ્પર્ધા ખેલાડીઓ વચ્ચે એકતા અને રમતભાવનાને વધુ મજબૂત બનાવે’
ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ હસન જલુદએ ભારતના આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ 29 દેશના ખેલાડીઓ માટે સફળ આયોજન કરવું પ્રશંસનીય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ બિન યુસેફ અલમનાએ જણાવ્યું હતું કે એશિયન દેશો એક પરિવાર સમાન છે અને આવી સ્પર્ધાઓ ખેલાડીઓ વચ્ચે એકતા અને રમતભાવનાને વધુ મજબૂત બનાવે છે. કાર્યક્રમમાં ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવએ સ્વાગત પ્રવચન આપીને સમગ્ર સ્પર્ધાની વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત રમતગમત જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →