કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવશે ગાંધીનગર:16-17 મેના રોજ 'મધુર ડેરી'ના નવા પ્લાન્ટથી લઈને 'ટેક પાર્ક' સુધીના વિકાસકામોનું કરશે લોકાર્પણ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી ૧૬ અને 17 મેના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા હોવાથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રથમ દિવસે વિકાસ કાર્યોની સમીક્ષા અને સંવાદ પ્રવાસના પ્રથમ દિવસે, 16 મેના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં મુખ્યત્વે: વિકાસ પ્રકલ્પો: 'ગાંધીનગર લોકસભા - હરિયાળી લોકસભા' અભિયાન, સરખેજ-ગાંધીનગર હાઈવેનું આધુનિકીકરણ, તળાવોનું નવિનીકરણ અને GUDCના કામોની સમીક્ષા થશે. હોસ્પિટલ અને ટ્રસ્ટની બેઠક: સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા તથા અખંડ આનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગે મંત્રણા કરવામાં આવશે. સામાજિક અને રાજકીય સંવાદ: “રમશે બાળક - ખીલશે બાળક” અભિયાનના ઇન્ચાર્જો સાથે સંવાદ અને ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરાના AMC ના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત યોજાશે. બીજા દિવસે અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન
પ્રવાસના બીજા દિવસે 17 મેના રોજ અમિત શાહ વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. જેના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે: ટેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદના ત્રાગડ ખાતે “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” આઈ.ટી. પાર્કનું ઉદ્ઘાટન. દૂધ સંઘ: ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ (મધુર ડેરી) ના દશેલા ખાતે પાંચ લાખ લીટર ક્ષમતા ધરાવતા અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ. શિક્ષણ અને સંશોધન: ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે NID ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું ઉદ્ઘાટન. મહાનગરપાલિકા: ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આ પ્રવાસ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારના વિકાસને વેગ આપવાની સાથે સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે, જે આગામી સમયમાં ક્ષેત્રના વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે.
Read Original Article →