જ્યુપીટર પર ટ્રેકટર ટ્રોલી પલટીને પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત:વૈષ્ણવીએ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી, ન્યૂ વાવોલનો બનાવ
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક છે ત્યારે જ ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં એક કમકમાટીભર્યા અકસ્માતે બે પરિવારોના ચિરાગ ઓલવી નાખ્યા છે. રિલાયન્સ માર્ટ બજાર પાસે પૂરપાટ ઝડપે આવતા પાણીના ટ્રેક્ટર ટ્રોલી ચાલકે વળાંક પર કાબૂ ગુમાવતા તે જ્યુપિટર સ્કૂટર પર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં સ્કૂટર સવાર પિતરાઈ ભાઈ-બહેન ટેન્કર નીચે દબાઈ ગયા હતા. જેમાં ભાઈનું ઘટનાસ્થળે અને બહેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પિતરાઈ ભાઈ-બહેન જ્યુપીટર લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો
પ્રાપ્ત વિગતો મુજબ વાવોલની સહજાનંદ શ્યામ સોસાયટીમાં રહેતા ઉર્વેશભાઈ સોનારની 17 વર્ષીય દીકરી વૈષ્ણવીએ તાજેતરમાં જ ધોરણ-12ની પરીક્ષા પાસ કરી હતી. તેનો માસીનો દીકરો 26 વર્ષીય રાહુલ સંજયભાઈ ફોટદાર બે દિવસ અગાઉ જ સુરતથી ગાંધીનગર આવ્યો હતો. આજે બપોરે બંને પિતરાઈ ભાઈ બહેન જ્યુપિટર પર કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા. બંને ભાઈ બહેન ભારેખમ ટેન્કરના વજન નીચે દબાઈ ગયા
આ દરમિયાન રિલાયન્સ માર્ટ પાસેના વળાંકમાં કોલવડા તરફથી પાણી ભરેલું ટ્રેક્ટર લઈને આવતા ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી મૂકતા તેણે ટ્રેક્ટર પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને જોતજોતામાં ટ્રેક્ટરની પાણી ભરેલી ટ્રોલી સીધી જ જ્યુપિટર પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જ્યુપિટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રાહુલ તથા વૈષ્ણવી બંને પાણીના ભારેખમ વજનના ટેન્કર નીચે દબાઈ ગયા હતા. ક્રેઈનની મદદથી બંનેને બહાર કાઢવા પડ્યા
આ અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.પરંતુ ટેન્કરનું વજન વધુ હોવાથી લોકો લાચાર બન્યા હતા. અંતે ક્રેન બોલાવીને ટેન્કર ઊંચું બંનેને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે કમનસીબે રાહુલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૈષ્ણવીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે પણ દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ મથકના એએસઆઈ હર્ષદભાઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાના પગલે સુરતથી આવેલા પિતરાઈ ભાઈ અને ભણવામાં તેજસ્વી એવી બહેનના અકાળે અવસાનથી સોનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Read Original Article →