લાંચિયા અધિકારીની પ્રોજેક્ટ ફાઈલો રડાર પર:ACB હવે બેંક એકાઉન્ટ્સ અને કચેરીના નેટવર્કની કુંડળી ફંફોળશે, ઉદ્યોગ ભવનનો મનિષ રાવલ 21 મે સુધી રિમાન્ડ પર
ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી મનિષકુમાર નવિનચન્દ્ર રાવલને અદાલતે આગામી 21મી મેના રોજ બપોર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂપિયા પાંચ લાખની મસમોટી લાંચ માંગતા ઝડપાયેલા આ ભ્રષ્ટ અધિકારીની કસ્ટડી મળતા જ એસીબીએ તેની આકરી પૂછતાછ શરૂ કરી દીધી છે. પ્રમાણપત્ર માન્ય રાખવા 5 લાખ માગ્યા હતા
એક જાગૃત નાગરિક દ્વારા બાંધકામ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેના સર્ટિફિકેટ્સ ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર રાવલ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રોને માન્ય રાખવા અને ફાયર એનઓસીના સંદર્ભમાં રાવલે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે આપવા અસમર્થતા દર્શાવી નાણાં ટુકડે-ટુકડે આપવાનું કહી પ્રથમ હપ્તા પેટે 50 હજાર રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો. અધિકારીને 50 હજાર લાંચ સ્વીકારતા રંગે હાથ દબોચ્યા
જો કે ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે સોમવારે એસીબીની ટીમે ગાંધીનગરમાં ઘ-2 સર્કલ પટેલ આઈસ્ક્રીમ પાસે 102 નંબરના એએમટીએસ બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ 50,000ની રોકડ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. તમામ બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સની તપાસ થશે
આ સફળ ટ્રેપ બાદ એસીબીના તપાસ અધિકારી ડી. એ. ચૌધરીની આગેવાનીમાં આરોપી મનિષ રાવલના નિવાસસ્થાને તાબડતોબ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે પ્રાથમિક સર્ચ દરમિયાન હાલના તબક્કે તેના ઘરેથી કોઈ સંદિગ્ધ સામગ્રી કે અસ્કયામતો મળી આવી નથી. હવે રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા તેના તમામ બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.જેથી તેની અપ્રમાણસર મિલકતો અને નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થઈ શકે છે. લાંચના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં?
એસીબી હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ મસમોટી લાંચનું નેટવર્ક કચેરીમાં ક્યારથી અને કેવી રીતે ચાલતું હતું. આ ભ્રષ્ટાચારના ખેલમાં ઉદ્યોગ ભવનની કચેરીના અન્ય કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલા છે કે નહીં તેની પણ કડીઓ મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત મનિષ રાવલના હોદ્દાની રૂએ તેની સત્તાઓ કેટલી હતી અને ભૂતકાળમાં તેણે કયા-કયા પ્રોજેક્ટ્સમાં આ પ્રકારે મંજૂરીઓ આપી છે તે તમામ ફાઈલોની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.
Read Original Article →