પાલનપુર-દિયોદરમાંથી 1444 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું:ત્રણ સ્થળો પર ફૂડ એન્ડ ડ્રગ્ વિભાગનો દરોડો, 8.28 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીના જથ્થા સામે વિશેષ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કુલ 1444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત રૂ. 8.28 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ત્રણ સ્થળો પરથી 1444 કિલો શંકાસ્પદ ઘી કબજે લેવાયું
તપાસ દરમિયાન પાલનપુર વિસ્તારમાંથી આશરે 448 કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે દિયોદર વિસ્તારમાંથી અંદાજે 446 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ઉપરાંત અન્ય એક સ્થળેથી પણ આશરે 551 કિલો ઘી ઝડપાયું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ભેળસેળયુક્ત અથવા ડુપ્લિકેટ ઘી હોવાની શંકા હેઠળ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ.એન. ગુર્જર અને એસ.એમ. પટેલની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી. આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 હેઠળ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને બક્ષવામાં નહીં આવે- આરોગ્યમંત્રી
આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, “લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવનાર સામે કડક કાર્યવાહી થશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.” રાજ્ય સરકારનું કહેવું છે કે લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે આવી કાર્યવાહી આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવશે.
Read Original Article →