આફ્રિકામાં ઈબોલાનો ખતરો, ગુજરાત એલર્ટ મોડમાં:અમદાવાદ એરપોર્ટ પર ખાસ સ્ક્રીનિંગ શરૂ, સિવિલ-એસવીપીમાં આઇસોલેશન બેડ તૈયાર; સરકારનો દાવો –ગુજરાતમાં એકપણ કેસ નથી
આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઈબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકાર સતર્ક બની છે. કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઈબોલાના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની તૈયારીઓ અને આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું કે, હાલ ગુજરાત કે સમગ્ર ભારતમાં ઈબોલાનો એકપણ કેસ નોંધાયો નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ SOP અને ગાઈડલાઈનનું રાજ્યમાં કડક પાલન થઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ
આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોમાંથી આવતા પેસેન્જરો માટે જ છે, સામાન્ય મુસાફરો માટે કોઈ ચિંતા કે વધારાની કાર્યવાહી જરૂરી નથી. સિવિલ અને એસવીપીમાં ખાસ બેડની વ્યવસ્થા
સંભવિત ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે જો કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે તો ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ તરત જ સારવાર શરૂ કરી શકાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ છે. 'ગભરાશો નહીં, સાવચેતી રાખો'
આરોગ્ય મંત્રીએ જનતાને આશ્વસ્ત કરતા જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. માત્ર સંબંધિત દેશોમાંથી આવતા મુસાફરોએ જ જરૂરી તકેદારી રાખવાની છે જેથી સંક્રમણ ફેલાવાની કોઈ શક્યતા ન રહે. રાજ્યનું આરોગ્ય વિભાગ એરપોર્ટથી લઈને હોસ્પિટલ સુધી સતત મોનીટરીંગ કરી રહ્યું છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનું પણ બેઠકમાં જણાવાયું.
Read Original Article →