ડેપ્યુટી કલેક્ટરથી લઈને વર્ગ-૩ સુધીના સ્ટાફની નિમણૂક:તલાટી ભરતીના પ્રમાણપત્ર ચકાસવા 194 અધિકારી રોકાયા

Gujarat5/20/2026, 12:00:00 AM
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હસ્તક મહેસૂલ તલાટી, વર્ગ-3ની મુખ્ય પરીક્ષાના પરિણામ બાદ યોજાનાર પ્રમાણપત્ર ચકાસણી અને જિલ્લા ફાળવણીના કાર્યક્રમ માટે રાજ્યના વિવિધ સંવર્ગના કુલ 194 અધિકારીઓ અને કર્મચારીઓને સેવાઓ સોંપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સમયસર પૂર્ણ કરવા માટે મહેસૂલ વિભાગે ડેપ્યુટી કલેક્ટરથી લઈને વર્ગ-૩ સુધીના સ્ટાફની નિમણૂક કરી છે. આ તમામ અધિકારી અને કર્મચારીઓને 20 મે 2026થી આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર હસ્તક મુકવામાં આવ્યા છે અને તેઓએ નિયત સમયમાં અચૂક રિપોર્ટ કરવાનો રહેશે. આ વિશેષ કામગીરી માટે ક્લાસ-1 કક્ષાના ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)ના કુલ 32 અધિકારીઓ, મામલતદાર વર્ગ-2 સંવર્ગના કુલ 60 અધિકારીઓ તેમજ નાયબ મામલતદાર, સિનિયર સરવેયર, સરવેયર, કારકૂન અને મહેસૂલી તલાટી સહિતના વર્ગ-3 સંવર્ગના કુલ 102 કર્મચારીઓની સેવાઓ લેવામાં આવી છે. સંબંધિત કલેક્ટરોએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ફરજ પરથી છૂટા કરવાના રહેશે જેથી ભરતી પ્રક્રિયાની આગળની કાર્યવાહી સમયસર અને સુચારુ રૂપે પૂર્ણ કરી શકાય. મહેસૂલ વિભાગ હસ્તક મહેસૂલ તલાટી, વર્ગ-3ની મુખ્ય પરીક્ષાના પરિણામ બાદ યોજાનાર પ્રમાણપત્ર ચકાસણી અને જિલ્લા ફાળવણીના કાર્યક્રમ માટે ગાંધીનગર કલેક્ટર કચેરીના ચીટનીસ સહિતના કર્મીઓને પણ આ કામગીરીમાં રોકવામાં આવ્યા છે. બીજીતરફ આનુસંગીક કામગીરી માટે પણ મામલતદાર સહિતના અધિકારી- કર્મચારીઓ વ્યસ્ત રહેશે.
Read Original Article →