પત્નીની નજર સામે પતિનું મોત:દહેગામના ઈસનપુર ડોડીયામાં સામેથી આવતા બાઈકે દંપતીના બાઇકને ટક્કર મારી

Gujarat5/27/2026, 10:19:00 AM
પત્નીની નજર સામે પતિનું મોત:દહેગામના ઈસનપુર ડોડીયામાં સામેથી આવતા બાઈકે દંપતીના બાઇકને ટક્કર મારી
દહેગામના ઇસનપુર ડોડીયાથી બારીયા ગામ વચ્ચે આવેલા ટીંબાની મુવાડી પાસે મંગળવારે(26 મે) સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અત્રેના રોડ પર પૂરઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે સામેથી આવતા અન્ય એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દંપતી પૈકી પતિનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નિપજ્યું છે. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. માતા-પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા દહેગામના ઇસનપુર ડોડીયા ગામના અંબે માતાના વાસમાં રહેતા અને નરોડાની શ્રીજી એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા 25 વર્ષીય અનીલકુમાર ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે અનીલના પિતા નવલજી રામાજી ઠાકોર અને માતા કંચનબેન બાઈક પર ટીંબાની મુવાડીથી ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક ચાલકે દંપતીના બાઇકને ટક્કર મારી આ દરમિયાન સાંજે ઇસનપુર ડોડીયાથી બારીયા ગામની વચ્ચે આવેલા છગનભાઈ માસ્તરના બોરકુવા પાસે સામેથી પૂરઝડપે આવી રહેલા બાઈકના ચાલકે દંપતીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના લીધે પતિ-પત્ની બાઇક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે દંપતીને દહેગામ સરકારી દવાખાને ખસેડ્યા હતા. પતિનું મોત, પત્ની ગંભીર ઈજાગ્રસ્ત જ્યાંથી વધુ સારવાર માટે બંનેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા. ત્યારે સિવિલ ખાતે ફરજ પરના તબીબોએ નવલજી રામાજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા. જ્યારે કંચનબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓ હાલ અર્ધ બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ અંગે દહેગામ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →