હવે સરપંચો પોલીસના બાતમીદાર બનશે?:દહેગામમાં યુવકના શંકાસ્પદ મોત બાદ પોલીસની ઊંઘ હરામ, બુટલેગરોની બાતમી મેળવવા વૉટ્સએપ ગ્રુપ બનાવ્યું
દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે તાજેતરમાં બુટલેગરના ત્યાં દારૂ પીવા ગયા પછી એક યુવકના રહસ્યમય રીતે મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં દારૂના દૂષણ સામે ભારે આક્રોશ જગાવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી મૃતકનું પેનલ ડોકટરો થકી પોસ્ટમોર્ટમ કરાવી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના પછી પણ દહેગામ પોલીસે બૂટલેગરો પર સીધો જ અંકુશ મેળવવાને બદલે હવે સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ બાતમીદાર બનાવવાની સ્કીમ તરતી મુકતા સરપંચો મુઝવણમાં મુકાવાની સાથે પોલીસ બેડામાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. બુટલેગર પરિવારને ફોન કરી મૃતકને લઈ જવા કહ્યું
દહેગામ તાલુકાના વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતા સુરેશભાઈ દિલીપસિંહ ચૌહાણનું ગત 4 જૂનના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, 4 જૂનની રાત્રે પોણા નવ વાગ્યે ગામમાં દેશી દારૂ વેચતા એક બુટલેગરે ફોન કરીને સુરેશભાઈને તેમના ઘરે આવ્યા હોવાથી તેમને લઈ જવા કહ્યું હતું. જેની દસ મિનિટ બાદ બુટલેગરે ફરી ફોન કરી સુરેશભાઈ નીકળી ગયા હોવાની જાણ કરી હતી. જોકે પરિવાર અડ્ડા પર પહોંચતા બુટલેગર કે સુરેશ ચૌહાણ બંનેમાંથી કોઈ હાજર મળ્યુ નહોતુ. શોધખોળના અંતે મૃતદેહ મળ્યો, પોલીસ દોડતી થઈ
ત્યારબાદ સુરેશભાઈ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ જતા પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન બે કિમી દૂર રાત્રે સાડા દસ વાગ્યે શિયાવાડા કુઈ ચોકડીથી ભાટઈ ગામ તરફ જવાના રસ્તે ખાત્રીબાના ગરનાળા પાસે સુરેશભાઈની રોડની સાઈડથી લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે હોબાળો મચી જતા દહેગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાદમાં મામલો મોટુ ચકચારી સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી મૃતકનું પેનલ ડોકટરો મારફતે પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. પરિવારના હત્યાના આક્ષેપથી પેનલ પોસ્ટમોર્ટમ કરાયું
આ અંગે પીઆઈ મુકેશ દેસાઈએ કહ્યું કે, પરિજનોનો આક્ષેપ હોવાથી મૃતકનું પેનલથી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પ્રાથમિક રીતે શરીર પર કોઈ ઇજાના નિશાન જોવા મળ્યા નથી. મૃતક દારૂ પીવાની ટેવ વાળો હતો. બીમારીના લીધે મોત થયાનું લાગી રહ્યું છે. જોકે આ સમગ્ર મામલાની ઉચ્ચ કક્ષાએથી પણ ગંભીર નોંધ લેવામાં આવતા દહેગામ પોલીસ હરકતમાં આવી ગઈ છે. જેના પગલે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સીધો જ અંકુશ મેળવવાને બદલે હવે સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ બાતમીદાર બનાવવાનું નક્કી કર્યું છે. પોલીસે બુટલેગરોની બાતમી માટે સરપંચોનું ગ્રુપ બનાવ્યું
સ્થાનિક સ્તરે ફિલ્ડમાં રહેલી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશેની માહિતી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી એમ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સીધો જ અંકુશ મેળવવાને બદલે હવે સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ બાતમીદાર બનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં તો દહેગામ પોલીસની નવતર સ્કીમથી જેતે ગામમાં પણ ચર્ચાનું બજાર ગરમ થયું છે. સરપંચો પણ અવઢવમાં મુકાઈ ગયા છે.
Read Original Article →