613 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:8 પાસ આરોપીઓએ અનેકને શીશામાં ઉતાર્યા, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જિલ્લામાંથી 13 ઝડપાયા
રાજ્યમાં વધતા સાયબર ફ્રોડ સામે ગુજરાત પોલીસે શરૂ કરેલા “મ્યુલ હંટ 2.0” અભિયાન હેઠળ મોટી સફળતા મળી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહી કરીને પોલીસે સાયબર ફ્રોડના 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ 631 કરોડ રૂપિયાથી વધુના ઓનલાઈન ફ્રોડમાં સંડોવાયેલા હતા. એટલું જ નહીં મોટાભાગના આરોપી 8 પાસ જ હતા. તેમ છતા ટેક્નોલોજીની મદદથી લોકો સાથે સાયબર ફ્રોડ કરતા હતા. અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ઝડપાયેલા આરોપીઓ વિવિધ સાયબર ગેંગ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. આરોપીઓની ધરપકડ બાદ દેશભરમાં 982 જેટલા સાયબર ફ્રોડ કેસ સોલ્વ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસ દરમિયાન રાજકોટથી ઝડપાયેલા વિમલ જાડા મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયેલી ગેંગ પાસેથી અનેક બેન્કની પાસબુક, એકાઉન્ટ સંબંધિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. 4 ગુનામાં 13 આરોપી ઝડપાયા
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઈન્ચાર્જ ડીજીપીની સૂચનાથી 'મ્યુલ ઓપરેશન' એટલે કે 'મ્યુલ હન્ટ ૨.૦' (Mule Hunt 2.0) હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત ચાર અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ચાર ગુનાઓમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટ ખાતેથી અલગ-અલગ 13 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. વિમલ ઝાડા બેંક એકાઉન્ટના પાસવર્ડ બદલી પૈસા ઉપાડતો
વધુમાં રાજદીપસિંહે જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપી પૈકી એક ગેંગની ખાસિયત એ છે કે, જેમાં 'વિમલ ઝાડા' કરીને આરોપી છે, એ ઓનલાઇન ટેલિગ્રામ અથવા તો અલગ-અલગ ચેનલોના માધ્યમથી જે બ્રીચ ડેટા થયેલો હોય એટલે કે જે નાગરિકોનો ડેટા લીક થયો હોય, એ ડેટા પ્રાપ્ત કરી લેતો હતો. જેમાં બેંકના કસ્ટમર આઈડી, રજિસ્ટર ફોન નંબર વગેરે વિગતો મેળવી. એના આધારે એ કસ્ટમરને સોશિયલ એન્જિનિયરિંગથી ફોન કરી અને એમની પાસેથી ઓટીપી મેળવી લેતો હતો. ઓટીપી મેળવ્યા બાદ જે વિક્ટિમ છે, એના બેંક એકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરી નાખતો અને પાસવર્ડ ચેન્જ કરી અને પૈસા ઉપાડી લેતો હતો. એ વિમલની પણ ધરપકડ ખાતાધારકની સાથે કરવામાં આવેલી છે. 15થી વધુ બેંક એકાઉન્ટોની પાસબુક મળી
આ ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતેથી જે ગેંગ પકડવામાં આવેલી છે, આ ગેંગની ખાસિયત એ છે કે એસ.એન.બી. એક્વા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના નામે, શિપિંગના નામે પેઢી ખોલવામાં આવેલી હતી અને એ પેઢીના માધ્યમથી સાયબર ક્રાઇમના પૈસાઓની લેવડ-દેવડ કરતા હતા. ત્યાં જ્યારે રેડ કરવામાં આવેલી ત્યારે 20 અલગ અન્ય બેંક એકાઉન્ટોની પણ વિગત પ્રાપ્ત થયેલી અને પૂછપરછ કરતા એણે જણાવ્યું કે તેમની જ એક પેઢી સુરતમાં વેસુ રોડ ખાતે કાર્યરત છે. જેનું નામ છે 'ઝેપ્લીન ઓવરસીઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ'. ત્યાં રેડ કરતા 15થી વધારે બેંક એકાઉન્ટોના ખાતા બુકો વગેરે પ્રાપ્ત થયેલી હતી. આમ આ ગેંગો દ્વારા અલગ-અલગ તમામ રાજ્યના 982 જેટલા સાયબર ક્રાઈમ ડિટેક્ટ થવા પામ્યા છે. 4થી 8 ટકા સુધીનું કમિશન મેળવતા
તમામ આરોપીઓમાં મ્યુલ એકાઉન્ટ ખાતાધારક, એનો હેન્ડલર, હેકિંગ અથવા ક્રાઈમ કરનાર વગેરે અલગ-અલગ લોકોની ધરપકડ થઈ છે. આગળ આ લોકો ક્યાં પૈસા મોકલતા હતા અને કઈ રીતે ટ્રાન્સફર કરતા હતા જેની તપાસ અલગ-અલગ ટીમો હાથ ધરી છે. આ લોકોને સામાન્ય રીતે 4 ટકાથી લઈ અને 8 ટકા સુધીનું કમિશન પ્રાપ્ત થયેલું હોવાનું આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું છે. 'હેકર માત્ર 8 પાસ જ હતો'
મોટાભાગના આરોપીના એજ્યુકેશનની વાત કરીએ તો, જે હેકર છે એ તો માત્ર 8 ધોરણ ભણેલો છે. એટલે કોઈ એવું વિશેષતઃ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા નથી પરંતુ ટેકનોલોજીથી તમામ લોકો સુપેરે વાકેફ હોય એવું હાલ જણાઈ રહ્યું છે.
Read Original Article →