પેટ્રોલ-ડીઝલ બચત માટે સરકારનો મોટો નિર્ણય:ઋષિકેશ પટેલે કહ્યું- CM હવે માત્ર 2 ગાડીઓના કોન્વોયમાં ફરશે, હેલિકોપ્ટરના ઉપયોગ પર બ્રેક

Gujarat5/13/2026, 10:25:36 AM
પેટ્રોલ-ડીઝલ બચત માટે સરકારનો મોટો નિર્ણય:ઋષિકેશ પટેલે કહ્યું- CM હવે માત્ર 2 ગાડીઓના કોન્વોયમાં ફરશે, હેલિકોપ્ટરના ઉપયોગ પર બ્રેક
ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા ઇંધણ બચત માટે લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, દેશે કોરોના જેવી વિકટ પરિસ્થિતિ સામે એકજૂટ થઈ લડત આપી હતી અને હવે વિદેશી મુદ્રા તથા ઇંધણ બચત માટે પણ દેશ સાથે મળીને આગળ વધશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કડક અને વ્યવહારુ પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના કોન્વોયમાં હવે માત્ર બે જ વાહનો રહેશે અને પાયલોટિંગની પ્રથામાં પણ મોટા ફેરફારો કરાયા છે. કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે ઓનલાઈન લોકેશનનો ઉપયોગ કરવામાં આવશે અને આગળ-પાછળ વધારાની ગાડીઓ નહીં રાખવામાં આવે. મુખ્યમંત્રી હવે હેલિકોપ્ટરનો ઉપયોગ પણ ટાળશે તેમણે વધુમાં કહ્યું કે, ડીઝલ-પેટ્રોલની બચત સાથે વિદેશી હૂંડિયામણ બચાવવાનો પણ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આ માટે મુખ્યમંત્રી હવે હેલિકોપ્ટરનો ઉપયોગ પણ ટાળશે. બહારગામના કાર્યક્રમોમાં પણ શક્ય હોય ત્યાં સુધી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકારી વિભાગોને પણ વીજળી બચત માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓ ઓફિસમાં હાજર ન હોય ત્યારે AC, લાઈટ અને પંખા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ હાજર થયા પછી જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો શરૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ મીટિંગોમાં અધિકારીઓને વર્ચ્યુઅલ રીતે જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી અનાવશ્યક મુસાફરી ટાળી શકાય. સરકારનું માનવું છે કે, આ પગલાંથી ઇંધણ બચત સાથે સરકારી ખર્ચમાં પણ ઘટાડો થશે.
Read Original Article →