ડાર્ક વેબ અને આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ:CID ક્રાઇમે USDT મારફતે ફંડિંગ કરનારા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા
રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ, આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નાણાંકીય વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા USDT (ક્રિપ્ટો કરન્સી) ટ્રાન્ઝેક્શન કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઇમ દ્વારા અગાઉ આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને બ્લોકચેન ટ્રેકિંગના આધારે હવે ભાવનગરમાંથી વધુ બે આરોપી હાદિરજા શબિરઅલી સરાની (ઉ.વ. 23) અને મોહમ્મદ ઝામીન અબ્બાસઅલી જીગર (ઉ.વ. 36) ને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરીને 5 હજાર USDT મેળવ્યા
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આરોપીઓએ વિવિધ બેંક ખાતાઓ અને ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરીને અંદાજે 5,000 USDT (ડર્ટી ક્રિપ્ટો) મેળવ્યા હતા. આ રકમનું જોડાણ OFAC Entity Ansarullah@Hauthi અને Garantex જેવા પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના મતે આ નેટવર્ક ડાર્ક વેબ પર નાર્કોટિક્સ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોઈ શકે છે. CID ક્રાઇમે આ મામલે C.R. No. 33/2025 અંતર્ગત ગુનો નોંધ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(B), 153, 61 તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2008ની કલમ 66(C) અને 66(D) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સામે આવેલા મહત્વના મુદ્દા CID ક્રાઇમની જનતાને અપીલ
સાયબર ક્રાઇમ સેલે લોકોને અજાણ્યા વ્યક્તિને પોતાનું બેંક એકાઉન્ટ, ATM, UPI કે ક્રિપ્ટો વોલેટ ઉપયોગ માટે ન આપવા ચેતવણી આપી છે. આવા એકાઉન્ટનો ઉપયોગ ફ્રોડ, આતંકવાદી ફંડિંગ કે મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓમાં થઈ શકે છે. કોઈપણ શંકાસ્પદ સાયબર ફ્રોડ, બેંક એકાઉન્ટ કે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અંગે માહિતી મળે તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. CID ક્રાઇમના જણાવ્યા મુજબ ગોલ્ડન અવરમાં ફરિયાદ નોંધાવવાથી ઠગાયેલી રકમ પરત મેળવવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે.
Read Original Article →