ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા:જિલ્લામાં છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવતી કુખ્યાત ચિખલીગર ગેંગનો પર્દાફાશ, 23 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો

Gujarat5/27/2026, 1:38:04 PM
ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા:જિલ્લામાં છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવતી કુખ્યાત ચિખલીગર ગેંગનો પર્દાફાશ, 23 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી પોલીસ માટે માથાનો દુખાવો બનેલી કુખ્યાત ચિખલીગર ગેંગનો ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે આખરે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડી 23 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ડિઝાયર કારમાં સવાર ગેંગને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધી હતી ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કે.જે. રાઠોડ અને તેમની ટીમે છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવતી કુખ્યાત ચિખલીગર ગેંગને પકડવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. પોલીસની ટીમોએ અગાઉ પકડાયેલ ગેંગોનો ડેટાબેઝ તૈયાર કરી સ્થાનિક હ્યુમન સોર્સને પણ એક્ટિવ કર્યા હતા. આ દરમિયાન શિહોલી ગામ નજીક મળેલી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી અને સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારમાં સવાર ગેંગને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધી હતી. ગેંગના સભ્યો પહેલા રેકી કરતા અને રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરતા આ અંગે એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, આ ગેંગ છેલ્લા બે વર્ષથી ડભોડા, ચિલોડા અને દહેગામ વિસ્તારમાં સક્રિય હતી. ગેંગના સભ્યો દિવસ દરમિયાન ડુક્કર પકડવાના બહાને રેકી કરતા અને રાત્રિના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ચોરી કરવા માટે આ ગેંગ નંબર વગરના વાહનોનો ઉપયોગ કરતા મોઢા પર રૂમાલ બાંધતા અને અલગ-અલગ પોશાક પહેરતા જેથી તેમની ઓળખ છતી ન થાય. ચોરી બાદ ગેંગ છુપા માર્ગોનો ઉપયોગ કરીને ફરાર થઈ જતી હતી.પોલીસની પકડમાં આવેલા આરોપીઓમાં માનસિંગ ઉર્ફે કાંચીસીંગ, ભારતસિંગ ચિખલીગર, ચંદનસીંગ તારાસીંગ ચિખલીગર, તીલકસીંગ ચિખલીગર અને સમીર રમેશભાઇ દેવીપુજકનો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં 23 ચોરીઓની કબુલાત કરી જ્યારે ઓમકારસીંગ, જુગલસીંગ, રાજવીરસીંગ અને મનજીતસીંગ ચિખલીગર હાલ ફરાર છે.જેમને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 3 લાખ રૂપિયાની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ડભોડા, ચિલોડા અને દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 23 ચોરીઓની કબુલાત કરી છે, જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર સફળ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ અને સ્થાનિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહી હતી.
Read Original Article →