કન્ટેનર ચાલકે બ્રેક મારતા આઈસર ધડાકાભેર અથડાયું:સારવાર લીધા બાદ પરત ઘટનાસ્થળે પહોંચતા ડ્રાઈવરનું મોત, ચંદ્રાલા હાઈવે પરની ઘટના

Gujarat4/11/2026, 7:40:01 AM
કન્ટેનર ચાલકે બ્રેક મારતા આઈસર ધડાકાભેર અથડાયું:સારવાર લીધા બાદ પરત ઘટનાસ્થળે પહોંચતા ડ્રાઈવરનું મોત, ચંદ્રાલા હાઈવે પરની ઘટના
ગાંધીનગરના ચિલોડા હિંમતનગર હાઈવે પર આગમન હોટલ સામેના રોડ ઉપર કન્ટેનરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી આઈસર ગાડી ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે ચંદ્રાલા ગામ પાસે અકસ્માત પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશના રહેવાસી 48 વર્ષીય સંદીપકુમાર હરનામસિંહ 10 એપ્રિલે ગઈકાલે આઈસર ગાડી લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ચંદ્રાલા ગામ પાસે આગળ જતા કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા સંદીપકુમારની આઈસર પાછળના ભાગે અથડાઈ હતી. આઈસરના આગળના ભાગનો બુકડો બોલી ગયો આ અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ દિલ્હીથી આવી રહેલા અન્ય ટ્રક ચાલક અને ક્લીનર રાહુલ મદદ માટે દોડી આવ્યા હતા. શરૂઆતમાં સંદીપકુમારને સારવાર માટે છાલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘટનાસ્થળે પરત ફર્યા હતા. પરંતુ થોડીવારમાં જ તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. બાદમાં અચાનક ઉલટીઓ થવા લાગી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ફરી બોલાવવામાં આવી પરંતુ તપાસ કરતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ક્લીનર રાહુલકુમાર બગેલ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Read Original Article →