નર્મદા કેનાલમાં કૂદેલી પરિણીતાને બે યુવકોએ બચાવી, VIDEO:ચાંદખેડાના બિલ્ડર અને ઝુંડાલના ગ્રામજનોની સતર્કતાના કારણે પરિણીતાનો જીવ બચ્યો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના એક બિલ્ડરની સમયસૂચકતા અને ઝુંડાલ ગામના સ્થાનિક યુવાનોની બહાદુરીએ એક નાની વયની પરિણીત યુવતીને મોતના મુખમાંથી પાછી ખેંચી લીધી છે. ગાંધીનગર નજીક ઝુંડાલ નર્મદા કેનાલમાં પારિવારિક કંકાસથી કંટાળીને મોતની છલાંગ લગાવનાર અંબાપુરની પરણિત યુવતીને ગ્રામજનોએ બચાવી લીધાનો વીડિઓ પણ સામે આવ્યો છે. નર્મદા કેનાલમાં ડૂબતી પરિણીતા પર બિલ્ડર નજર પડી
આ ઘટનાની વિગત મુજબ ચાંદખેડાના એક બિલ્ડર આજે પોતાની નિયમિત દિનચર્યા મુજબ ઝુંડાલ નર્મદા કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર કેનાલના ધસમસતા પાણી પર પડતા એક મહિલા તેમાં ડૂબતી અને પોતાનો જીવ બચાવવા માટે હાથપગ મારી રહેલી જોવા મળી હતી.આ દ્રશ્ય જોઈ બિલ્ડરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર પહોંચે તે પહેલા જ ગામના યુવાનોએ કેનાલમાં કૂદી પરિણીતાનો જીવ બચાવ્યો
જોકે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ ત્યાંથી પસાર થતા ગામના સ્થાનિકો અને ગ્રામજનોએ સ્થિતિની ગંભીરતા સમજી લીધી હતી. આ દ્રશ્ય જોઈ ગામના એક યુવાને સીધું જ કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક યુવાને પણ મદદ માટે કેનાલમાં ભૂસકો માર્યો હતો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી હતી. તેમ છતાં બંને યુવાનોએ હિંમત ન હારતા ખૂબ જ કુનેહપૂર્વક મહિલાને કેનાલના કિનારે સુરક્ષિત બહાર કાઢી હતી. ઘરકંકાસના કારણે પરિણીતાએ જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો
ગામના સ્થાનિકોની આ સતર્કતાના કારણે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ મહિલાને સહી સલામત બહાર કાઢી લેવાઈ હતી. અને તુરંત જ એક ખાનગી વાહનમાં તેને અડાલજ સ્થિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંબાપુરની આ પરિણીતા પારિવારિક વિવાદથી કંટાળીને આપઘાતનો નિર્ણય લીધો હતો. આ આખી ઘટનામાં દેવદૂત બનેલા ચાંદખેડાના બિલ્ડરનો દિવ્ય ભાસ્કર ડિજિટલ ધ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની ઓળખ જાહેર ન કરવાનો આગ્રહ રાખતા જણાવ્યું હતું કે, મેં માત્ર મારી ફરજ નિભાવી છે જે કોઈપણ જાગૃત નાગરિકે કરવું જોઈએ. આમ તેમની સતર્કતા અને ગ્રામજનોના સાહસે આજે એક ઘરનો ચુલો ઓલવાતો બચાવી લીધો છે.
Read Original Article →