બોરીજમાં મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન:'વેસ્ટ ટુ વેન્ડર પાર્ક'ના માર્ગમાં અવરોધરૂપ 15 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું, 8 એકર જમીન ખાલી કરાવાઈ
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે બોરીજ ગામમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નિર્મિત થનારા 'વેસ્ટ ટુ વન્ડર પાર્ક'ના માર્ગમાં અવરોધરૂપ 15 જેટલા ગેરકાયદે પાકા બાંધકામોને જમીનદોસ્ત કરી અંદાજે 8 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ગેરકાયદે દબાણો પર તવાઈ
શહેરના કચરા અને નકામી વસ્તુઓમાંથી કલાત્મક કૃતિઓ બનાવી પર્યટકો માટે આકર્ષણ ઊભું કરવાના હેતુથી બોરીજ વિસ્તારમાં આ અનોખો પાર્ક આયોજિત છે. જોકે, કરોડોની કિંમતની આ સરકારી જમીન પર સ્થાનિક સ્તરે રહેણાંક મકાનો અને વ્યાપારી હેતુ માટે પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર નોટિસો પાઠવવા છતાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જગ્યા ખાલી ન કરતા આખરે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરી
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે જેસીબી મશીનો અને મજૂરોનો કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો. કામગીરી દરમિયાન કેટલાક તત્વોએ વિરોધ પ્રદર્શન દ્વારા અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કડક વલણ અપનાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ ઝુંબેશના અંતે તમામ અતિક્રમણ દૂર કરી સંપૂર્ણ જમીન સંપાદિત કરવામાં આવી હતી. સરકારી જમીન પચાવનાર વિરુદ્ધ કડક ઝુંબેશ
જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થતા હવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાર્કના નિર્માણ કાર્યને વેગ આપવામાં આવશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર હિતના પ્રોજેક્ટ્સમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ આવી જ કડક ઝુંબેશ જારી રહેશે.
Read Original Article →