કચ્છ-દિલ્હી વચ્ચે સીધી ટ્રેન સેવાનો પ્રારંભ:23મીથી ભુજ-દિલ્હી ડેઈલી એક્સપ્રેસ ટ્રેન દોડશે, વેપારી, પ્રવાસીઓે લાભ; જુઓ ટ્રેનનું ટાઈમ ટેબલ
કચ્છના લોકો માટે લાંબા સમયથી રાહ જોવાતી મોટી રેલવે ભેટ હવે સાકાર થવા જઈ રહી છે. રેલવે મંત્રાલય દ્વારા ભુજ અને દેશની રાજધાની દિલ્લી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. 22 મે, 2026ના રોજ આ ટ્રેન સેવાનો આરંભ થશે, જેને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવશે. નવી ટ્રેન સેવા કચ્છને સીધું દિલ્લી સાથે જોડશે, જેના કારણે મુસાફરોને હવે ટ્રેન બદલવાની જરૂર નહીં રહે. ભુજ સ્ટેશન ખાતે યોજાનારા કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત પશ્ચિમ રેલવે અને અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેન 22 મેથી દોડશે
ટ્રેન નંબર 09403 ભુજ-દિલ્લી ઉદ્ઘાટન સ્પેશિયલ 22 મેના રોજ સાંજે 4:30 વાગ્યે ભુજથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે દિલ્લી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, જાલોર, અજમેર, જયપુર, અલવર અને રેવાડી સહિતના મહત્વના સ્ટેશનો પર રોકાશે. નિયમિત સેવા 23 મેથી શરૂ
નવી 19403/19404 ભુજ-દિલ્લી-ભુજ એક્સપ્રેસ દૈનિક ધોરણે સંચાલિત થશે. 19403 ભુજ-દિલ્લી એક્સપ્રેસ: 23 મેથી દરરોજ સવારે 11:15 વાગ્યે ભુજથી પ્રસ્થાન, બીજા દિવસે સવારે 11:45 વાગ્યે દિલ્લી પહોંચશે. 19404 દિલ્લી-ભુજ એક્સપ્રેસ: 24 મેથી દરરોજ સાંજે 4:40 વાગ્યે દિલ્લીથી પ્રસ્થાન, બીજા દિવસે સાંજે 7:35 વાગ્યે ભુજ પહોંચશે. ટ્રેનમાં 2-ટિયર એસી, 3-ટિયર એસી, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. કચ્છના વેપાર અને ઉદ્યોગોને મળશે વેગ
આ ટ્રેન સેવા કચ્છના હસ્તકલા, કાપડ ઉદ્યોગ અને ગાંધીધામ-ભુજ વિસ્તારના વેપારને સીધા દિલ્લી અને રાજસ્થાનના મોટા બજારો સાથે જોડશે. વેપાર-વાણિજ્યમાં વધારો થવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે. પર્યટન અને શિક્ષણ ક્ષેત્રે પણ થશે લાભ
‘રણ ઉત્સવ’ સહિત કચ્છના પર્યટન સ્થળોએ દેશભરમાંથી આવતા પ્રવાસીઓ માટે સીધી કનેક્ટિવિટી સરળ બનશે. ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ માટે દિલ્લી-જયપુર જતા વિદ્યાર્થીઓ તેમજ સારવાર માટે મોટા શહેરોમાં જતાં દર્દીઓને આ સેવા મોટી રાહત આપશે. ધાર્મિક યાત્રાળુઓ માટે પણ સુવિધા
અજમેર શરીફ સહિત રાજસ્થાનના ધાર્મિક સ્થળોએ જવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે નવી ટ્રેન કિફાયતી અને સરળ મુસાફરીનો વિકલ્પ બની રહેશે. નવી ભુજ-દિલ્લી એક્સપ્રેસથી કચ્છ હવે માત્ર ભૂગોળીય રીતે નહીં, પરંતુ વેપાર, શિક્ષણ, પર્યટન અને વિકાસના માળખામાં પણ દેશની રાજધાની સાથે વધુ મજબૂત રીતે જોડાશે.
Read Original Article →