કેન્દ્રમાં OBC માટે અલગ મંત્રાલય બનાવવાની માગ:આંજણા ચૌધરી સમાજના આગેવાને કહ્યું- દેશમાં OBCની વસતી 50 ટકાથી વધુ, ઝડપી ન્યાય માટે અલગ વ્યવસ્થઆ જરુરી'
અખિલ ભારતીય આંજણા મહાસભાના સંરક્ષક હરિભાઈ ચૌધરીએ OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠાવી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો OBCને બંધારણીય દરજ્જો આપવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, જેમ સહકાર ક્ષેત્ર માટે અલગ મંત્રાલય બનાવાયું છે, તેવી જ રીતે OBC સમાજ માટે પણ અલગ મંત્રાલય બનાવવાની જરૂર છે. હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે, દેશમાં OBC સમાજની વસ્તી 50 ટકાથી વધુ છે અને વિવિધ યોજનાઓ તથા લાભો યોગ્ય રીતે પહોંચે તે માટે અલગ મંત્રાલય જરૂરી બની ગયું છે. હાલમાં સમાજ કલ્યાણ વિભાગ હેઠળ SC, ST અને OBC ત્રણેય વર્ગોના પ્રશ્નો અને યોજનાઓ સંભાળવામાં આવે છે, જેના કારણે દરેક વર્ગને પૂરતો ન્યાય મળતો નથી. 'જો અલગ મંત્રાલય બનશે તો સમાજના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવી શકાશે'
તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, “એક જ વિભાગમાં અનેક ખાતાઓ હોય તો તમામ જવાબદારી એક વ્યક્તિ સંભાળી શકતી નથી. અલગ મંત્રાલય બનશે તો OBC સમાજના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવી શકશે અને નાની જ્ઞાતિઓ સુધી પણ યોગ્ય લાભ પહોંચી શકશે.” હરિભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, OBCમાં 146 જેટલી જ્ઞાતિઓ આવરી લેવાઈ છે, પરંતુ મોટી જ્ઞાતિઓ વચ્ચે નાની જ્ઞાતિઓને ઘણી વખત પૂરતું પ્રતિનિધિત્વ અને લાભ મળતા નથી. અલગ મંત્રાલય થવાથી તમામ જ્ઞાતિઓને સમાન ન્યાય અને માહિતી સરળતાથી મળી શકશે. તેમણે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં OBC માટે અલગ વિભાગ અથવા મંત્રાલય રચવાની સાથે જ 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવાની પણ માંગ કરી છે.
Read Original Article →