ગાંધીનગર ઉત્તરના ગ્રામીણ વિસ્તારોને મળશે શહેરી સુવિધા:₹340 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત, 8 ગામોમાં બનશે AC લાઇબ્રેરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે આજે ગુરુવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં આશરે ₹340 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તંત્ર દ્વારા આ લોકભાગીદારીના કામો થકી ગ્રામીણ વિસ્તારોને શહેરી કક્ષાની અત્યાધુનિક સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોના નાગરિકો માટે આ વિકાસકાર્યો એક મોટી ભેટ સમાન સાબિત થશે. શિક્ષણ અને જ્ઞાનની ક્રાંતિ, 8 ગામોમાં હાઇટેક લાઇબ્રેરીઓ
આ કરોડોના પ્રોજેક્ટનું સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ ગ્રામીણ યુવાપેઢી માટે તૈયાર કરવામાં આવનારી અત્યાધુનિક વાતાનુકૂલિત (AC) લાઇબ્રેરીઓ છે. આ સુવિધા અંતર્ગત રૂપાલ, પેથાપુર, મોટી આદરજ, સરઢવ, ઉનાવા, કોલવડા, રાંધેજા અને જલુંદ સહિતના 8 ગામોમાં ડિજિટલ અને મોર્ડન લાઇબ્રેરીઓ કાર્યરત કરવામાં આવશે. અત્યાર સુધી જે સુવિધા માત્ર મોટા શહેરો પૂરતી સીમિત હતી તે હવે ગામડાના વિદ્યાર્થીઓ અને વડીલોને ઘરઆંગણે મળશે, જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ યુવાનોને મોટો ફાયદો થશે. માળખાકીય વિકાસ, પાકા રસ્તા અને આધુનિક સ્ટ્રીટલાઇટ
શિક્ષણની સાથે-સાથે ગામડાઓના ભૌતિક વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોને જોડતા આંતરિક અને કાચા રસ્તાઓને ડામરના પાકા રોડ બનાવીને મુખ્ય માર્ગો સાથે જોડવામાં આવશે. આ સાથે જ નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે મુખ્ય માર્ગો પર આધુનિક એલઇડી સ્ટ્રીટલાઇટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોમ્યુનિટી હોલ, યોગા સેન્ટર અને તળાવોનું નવીનીકરણ
ગ્રામીણ નાગરિકોના સ્વાસ્થ્ય અને સામાજિક પ્રસંગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રૂપાલ, સોનીપુર, મોટી આદરજ, સરઢવ, ઉનાવા, પીંપળજ, પીંડારડા અને જલુંદમાં કોમ્યુનિટી હોલ તેમજ યોગા સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી અને જળસંચયને પ્રોત્સાહન આપવા માટે વિસ્તારના 6 ગામોના ઐતિહાસિક તળાવોનું બ્યુટીફિકેશન અને નવીનીકરણ કરવામાં આવશે. ખેડૂતો અને પશુઓ માટે ખાસ સુવિધા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ગ્રામીણ અર્થતંત્રના મુખ્ય આધાર એવા પશુઓ માટે પીવાના પાણીની અવેડા વ્યવસ્થા ઊભી કરાશે. આ સાથે જ ખેતીકામ અને સિંચાઈ માટે વપરાતા ગંદા પાણીને શુદ્ધ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે. આ તમામ પ્રકલ્પો પૂર્ણ થતાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારો હવે આધુનિકતાના એક નવા યુગમાં પ્રવેશ કરશે.
Read Original Article →