ડાર્ક વેબના એક IPથી ખુલ્યો 226 કરોડના ટેરર ફંડિંગનો કારોબાર:અમદાવાદથી UK સુધી પહોંચ્યા પોલીસના તાર; જાણો ઓપરેશનની ઈનસાઇડ સ્ટોરી
226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ગુજરાત પોલીસનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચ્યું તેની ચોંકાવનારી વિગતો હવે સામે આવી છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસ કરતાં પોલીસને એક શંકાસ્પદ IP એડ્રેસ મળ્યું અને ત્યાંથી શરૂ થયેલી ટેક્નિકલ તપાસ આખરે અમદાવાદથી લઈને UK સુધી ફેલાયેલા ટેરર ફંડિંગ રેકેટ સુધી પહોંચી હતી. ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલા શંકાસ્પદ IP પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન artemislabs.cc નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા હતા. આ વેન્ડર મારફતે 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં રકમ ટ્રાન્સફર થતી હોવાનું સામે આવ્યું હતું. વોલેટ અમદાવાદના દાણીલીમડાના મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું
પોલીસે આ 10 વોલેટનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું ત્યારે 9 વોલેટ વિદેશી હોવાનું સામે આવ્યું, જ્યારે એક વોલેટ ભારતનું હતું. KYC અને અન્ય ડિજિટલ વિગતો મેળવતાં આ વોલેટ અમદાવાદના દાણીલીમડાના મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું. અહીંથી કેસમાં પ્રથમ મોટી બ્રેકથ્રૂ મળી હતી. મોહસીનના વોલેટ સાથે 8 અન્ય એકાઉન્ટ જોડાયેલા હતા
મોહસીન મુલાનીના ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેના વોલેટ સાથે 8 અન્ય એકાઉન્ટ જોડાયેલા હોવાનું સામે આવ્યું. તેમાં એક મોનેરો વોલેટ પણ હતું, જેમાં એક સમયે 56 હજાર ડોલર જેટલી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મોહંમદ ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ
આગળની તપાસમાં અન્ય 9 ભારતીય વોલેટ સાથેના કનેક્શન સામે આવ્યા, જેમાં મોહંમદ ઝુબેર પોપટીયાનું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ હોવાનું જણાયું. પોલીસે જ્યારે ઝુબેરના વોલેટનું વિશ્લેષણ કર્યું ત્યારે ઈઝરાયલમાં MBCTA દ્વારા સીઝ કરાયેલા વોલેટમાંથી સીધા તેના ખાતામાં રકમ આવતી હોવાનું સામે આવ્યું હતું. UKથી હવાલા-આંગડિયા મારફતે ભારતમાં નાણાં ટ્રાન્સફર કરાવતો
તપાસમાં સામે આવ્યું કે સલમાન UKમાંથી માહિતી આપતો અને ભારતમાં હવાલા તથા આંગડિયા મારફતે નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. પોલીસે આ કેસમાં સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી છે. 2023-24 દરમિયાન આશરે બે કરોડ રૂપિયાની રકમ આ નેટવર્ક મારફતે ટ્રાન્સફર થઈ હોવાનું પણ સામે આવ્યું છે. પહેલાં Western Union જેવી MTSS પેમેન્ટ સિસ્ટમથી ફંડિંગ મેળવતા
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે વધુમાં ખુલાસો કર્યો હતો કે આરોપીઓ 2021 પહેલાં Western Union જેવી MTSS પેમેન્ટ સિસ્ટમ મારફતે પણ વિદેશથી ફંડિંગ મેળવતા હતા. 2016થી 2021 દરમિયાન 9 દેશો સાથે આશરે 80 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન થયાની વિગતો હાલ તપાસ હેઠળ છે. ક્રિપ્ટો ક્લસ્ટર સાથે પણ આ નેટવર્કનું જોડાણ
તપાસ દરમિયાન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ઈઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા માર્ક કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે પણ આ નેટવર્કના જોડાણ સામે આવ્યા છે. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે.
Read Original Article →