ગુજરાતમાં વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 119 ટીપી સ્કીમોને મળી આખરી મંજૂરી:અમદાવાદમાં 173 ટીપી પ્રારંભીક, 37 આખરી તબક્કામાં, 10 વર્ષમાં કુલ 800 સ્કીમો પાસ થતા વધશે શહેરીકરણ
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે એક નવો ઈતિહાસ રચ્યો છે. જેમાં આટલા વર્ષોમાં અગાઉ ક્યારેય ન થયું હોય તે રીતે 2025ના વર્ષમાં જ રાજ્યના જુદા-જુદા શહેરોની કુલ 119 ટાઉન પ્લાનિંગ સ્કીમને આખરી મંજૂરી આપી દીધી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં કુલ 800 ટીપી સ્કીમને મંજૂરી આપી દેવાઈ છે. રૂપાણી સરકારમાં પણ દર વર્ષે સરેરાશ 80થી 90 જેટલી ટીપી સ્કીમને મંજૂરી અપાતી હતી. આટલી ઝડપ છતાં હજુ વિવિધ શહેરોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાનું બાકી રહી ગયું છે. એ સિવાયની બાકીની વર્ષોથી લટકતી રહેતી ટીપી સ્કીમોને આખરી મંજૂરી આપી દેવાતા હવે આર્થિક વિકાસ વધશે. શહેરી વિકાસ વિભાગના અધિકારી પ્રકાશ દત્તા આ સંદર્ભમાં જણાવે છે કે, 2025માં 119 ટીપી સ્કીમને મંજૂરી આપી એ બાબત જ દર્શાવે છે કે, સરકાર ખૂબ જ પારદર્શકતાથી કામ કરી રહી છે. વર્ષો જૂની અનેક ટીપીને આખરી મંજૂરી આપી દેવાઈ છે. આમ છતાં હજુ પણ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 100 જેટલી ટીપી સ્કીમને મંજૂરી આપવાની બાકી રહી ગઈ છે. કેટલાક કારણોથી આવી મંજૂરી આપી શકાતી નથી, પરંતુ હવે આ વર્ષના અંત સુધીમાં બાકીની ટીપીને પણ મંજૂરી મળી જાય તેવા પ્રયાસો કરાશે. તેઓએ કહ્યું કે, રાજ્યમાં 550 જેટલી આખરી નગર રચના યોજનાઓ મંજૂર થઈને અમલમાં છે. ઉપરાંત કુલ 46 નગર રચના અધિકારીઓ દ્વારા 410 પ્રારંભિક નગર રચના યોજનાઓ અને 76 આખરી નગર રચના યોજનાઓની કામગીરી કરવામાં આવી રહી છે.
Read Original Article →