226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ:ટેરર ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્ક વેબ સાથે અમદાવાદનું કનેક્શન, 9 આરોપીના વોલેટમાં ડોલરમાં ટ્રાન્ઝેક્શન અને પ્રતિબંધિત નેટવર્ક સાથે જોડાણ
અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલા ક્રિપ્ટો નેટવર્ક સામે તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓના ક્રિપ્ટો વોલેટ મારફતે આશરે રૂ. 226.54 કરોડના વ્યવહારો થયા હતા, જેમાં ડાર્ક વેબ, ડ્રગ્સ કારોબાર, આતંકી સંગઠનોને ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક સાથે જોડાણ હોવાના આક્ષેપો છે. ઓનલાઈન નાર્કોટિક્સ વેચતી વેબસાઈના ટ્રાન્ઝેક્શનનું ગુજરાત કનેક્શન
તપાસ દરમિયાન ગેરકાયદેસર ઓનલાઇન નાર્કોટિક્સ વેચતી વેબસાઇટ ARTEMISLAB.CC ના ટ્રાન્ઝેક્શન ગુજરાતના ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું. તેમાં અમદાવાદના મોહસીન સદીક મોલાણીના વોલેટમાં શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર થયાની વિગતો મળી હતી. વધુ તપાસમાં મોહસીન સાથે જોડાયેલા ભારતના અન્ય 9 યુઝર્સના વોલેટ સુધી આ નાણાકીય વ્યવહારો ફેલાયેલા હોવાનું બહાર આવ્યું. આરોપીઓએ વ્યવહારો છુપાવવા મોનેરોનો ઉપયોગ કર્યો
એજન્સીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ વ્યવહારો છુપાવવા માટે Monero જેવી અનામી ક્રિપ્ટો કરન્સીનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. આશરે રૂ. 2 કરોડના વ્યવહારો મોનેરો મારફતે થયા હોવાનું કહેવાય છે. મોનેરોનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્ક વેબ, આતંકી ફંડિંગ અને ગેરકાયદેસર વેપારમાં થતો હોવાના દાવા કરવામાં આવ્યા છે. મોહમ્મદઝુબેર પોપટિયાના વોલેટનું હમાસ અને દુબઈ સુધી કનેક્શન
તપાસમાં વધુ એક ગંભીર દાવો એ થયો છે કે આરોપી મોહમ્મદઝુબેર મોહમ્મદહુસેન પોપટિયાનું વોલેટ ઇઝરાયલની ટેરર ફંડિંગ એજન્સી દ્વારા વર્ષ 2025માં ફ્રીઝ કરાયેલા વોલેટ્સ સાથે જોડાયેલું હોવાનું જણાયું છે. આ વોલેટના વ્યવહારો હમાસ સાથે સંકળાયેલા નેટવર્ક અને દુબઈ આધારિત એક્સચેન્જ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે. બ્રિટન સુધી ડ્રગ્સ નેટવર્કના તાર
પૂછપરછ દરમિયાન આરોપી મોહસીન મોલાણીએ 2023થી બ્રિટન માટે મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય ચેઇન ચલાવાતી હોવાનો ખુલાસો કર્યો હોવાનું તપાસમાં નોંધાયું છે. આરોપ મુજબ, ટેલિગ્રામ અને અન્ય ઓનલાઇન માધ્યમો દ્વારા બ્રિટન માટે ડ્રગ્સના ઓર્ડર લેવામાં આવતા અને તેની વિગતો દુબઈમાં બેઠેલા મોહમ્મદ ઝુબેર પોપટિયાને મોકલાતી હતી. આ કેસમાં સલમાન ગુલામઅલી અન્સારીનું નામ પણ સામે આવ્યું છે, જે બ્રિટનમાં ડ્રગ્સ કારોબાર અને મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહ્યો હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે જેલમાં હોવા છતાં તે નેટવર્ક સંચાલનમાં સંકળાયેલો હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓના વોલેટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન
મુખ્ય આરોપીઓમાં મોહમ્મદઝૈદ સિદ્ધીના વોલેટમાં સૌથી વધુ આશરે US ડોલર 4.87 મિલિયન અને નાવેદ પઠાણના ખાતામાં US ડોલર 23,962,383 (અંદાજે રૂ. 226.54 કરોડ) ના વ્યવહારો થયા હોવાનું તપાસમાં જણાવાયું છે. 935 સાયબર ફરિયાદો સાથે જોડાણ
આરોપીઓના બિનાન્સ P2P બેન્ક એકાઉન્ટ્સ સામે NCCRP પોર્ટલ પર કુલ 935 ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદો છેતરપિંડી અને સાયબર ગુનાઓથી સંબંધિત હોવાનું કહેવાય છે. કઈ કલમો હેઠળ ફરિયાદ?
આરોપીઓ સામે સંગઠિત ગુનાખોરી, કાવતરું, આતંકવાદી પ્રવૃત્તિઓને આર્થિક મદદ અને સાયબર છેતરપિંડી સંબંધિત ગુનાઓ હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ IT એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના અનેક નામ
આ કેસમાં અત્યાર સુધી અમદાવાદ, મુંબઈ અને હરિયાણાના અનેક આરોપીઓ ઝડપાયા છે, જેમાં મોહસીન મોલાણી, મોહમ્મદઝૈદ સિદ્ધી, નાવેદ પઠાણ, ફૈઝઅહમદ ચિસ્તી, ઝીશાન મોતીવાલા સહિતના નામ સામેલ છે. તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન, આતંકી ફંડિંગ અને ડ્રગ્સ સપ્લાય ચેઇનની વધુ ઊંડી તપાસ કરી રહી છે.
Read Original Article →