2007થી અત્યાર સુધી 24,767 લોકો ગુમ, મોટાભાગના બાળકો:અમદાવાદ-સુરત સૌથી આગળ; ઈન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે પર ચિંતા કરાવતા આંકડા
ગુજરાતમાં બાળકો ગુમ થવાના કેસો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. આજે ‘ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન્સ ડે’ નિમિત્તે સામે આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં કુલ 24,767 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે, જેમા મોટાભાગના બાળકો છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેર અને સુરત શહેરમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આંકડાઓ મુજબ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,449 લોકો ગુમ થયા છે, જ્યારે સુરત શહેરમાં 4,701 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 1,034 અને વડોદરા શહેરમાં 1,287 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 1,196 લોકો ગુમ
જિલ્લાવાર જોવામાં આવે તો ગાંધીનગરમાં 1,196, ખેડામાં 966, મહેસાણામાં 937 અને ભરૂચમાં 891 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. કચ્છ-ગાંધીધામ વિસ્તારમાં 774, વલસાડમાં 738 અને સુરત ગ્રામ્યમાં 498 લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. ડાંગ-આહવામાં સૌથી ઓછા માત્ર 14 કેસ
બીજી તરફ, ડાંગ-આહવામાં સૌથી ઓછા માત્ર 14 કેસ નોંધાયા છે. અમરેલી અને બોટાદમાં 85-85 કેસ, ગીર સોમનાથમાં 90 અને સુરેન્દ્રનગરમાં 101 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 754 લોકોને શોધ્યા
મહિલા સેલના A.D.G.P. અજય ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું કે, 2007થી અત્યાર સુધીમાં કિશોર, કિશોરી, સ્ત્રી, પુરુષ મળીને કુલ 24,767 લોકો ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી આજદિન સુધી 754 લોકોને શોધવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1500 ગુમ થયેલા વ્યક્તિને શોધવામાં આવશે. બાળક ગુમ થાય તો શું કરવું?
જો કોઈ બાળક ગુમ થાય, તો સમય બગાડ્યા વિના નીચેના પગલાં ભરવા જોઈએ. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર: 1098 પર તાત્કાલિક કોલ કરો, જે 24 કલાક કાર્યરત છે. પોલીસ કંટ્રોલ રૂમ: નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 /112 નંબર પર જાણ કરો. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ મુજબ, બાળક ગુમ થવાના કિસ્સામાં પોલીસે કોઈપણ પ્રાથમિક તપાસ વિના તરત જ FIR નોંધવી ફરજિયાત છે.
Read Original Article →