PM મોદીની અપીલને મેયરે ચરિતાર્થ કરી:સરકારી-લક્ઝુરિયસ ગાડીનો મોહ છોડી મેટ્રોમાં સવારી કરી મહાનગરપાલિકા પહોંચ્યા, નાગરિકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
તાજેતરમાં હૈદરાબાદમાં પ્રધાનમંત્રીએ આપેલી સાત અપીલ પૈકીની જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની શિખામણને અનુસરીને મેયરે આજે પ્રોટોકોલ અને લક્ઝુરિયસ વાહનોનો મોહ ત્યાગી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આજે મેટ્રોમાં મેયર રાયસણથી જૂના સચિવાલય સુધી મુસાફરી કરી મહા નગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાગરિકો સાથે વાર્તાલાપ કરી પર્યાવરણ જતનનો સંદેશ પણ આપ્યો હતો. રાયસણથી જૂના સચિવાલય સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જન પ્રતિનિધિઓ અને નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે આજે અમલમાં મૂકી હતી. મેયર મીરાબેન પટેલે આજે સવારે પોતે એક સામાન્ય નાગરિકની જેમ પોતાના નિવાસસ્થાન નજીક આવેલા રાયસણ મેટ્રો સ્ટેશનથી મુસાફરીનો પ્રારંભ કર્યો હતો. તેમણે રાયસણથી જૂના સચિવાલય સ્ટેશન સુધી ટ્રેનમાં પ્રવાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. મેટ્રો એ સમયની બચત અને પ્રદૂષણ મુક્ત શહેરના નિર્માણ માટેનું સબળ માધ્યમ
આ પ્રવાસ દરમિયાન તેમણે મેટ્રોમાં મુસાફરી કરી રહેલા અન્ય નાગરિકો સાથે પણ સીધો સંવાદ કર્યો હતો અને લોકોના પ્રશ્નો તેમજ મેટ્રોની સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, પીએમે વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા, ઈંધણની બચત કરવા અને પર્યાવરણના સંરક્ષણ માટે આપણે જાહેર પરિવહન સેવાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. મેટ્રો એ માત્ર આધુનિક પરિવહનનું સાધન નથી.પરંતુ તે સમયની બચત અને પ્રદૂષણ મુક્ત શહેરના નિર્માણ માટેનું સબળ માધ્યમ છે. આપણે વડાપ્રધાનના સ્વચ્છ અને હરિયાળું ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગાંધીનગર જેવા સુયોજિત શહેરમાં જો નાગરિકો વધુને વધુ મેટ્રોનો ઉપયોગ કરશે.તો જ આપણે વડાપ્રધાનના સ્વચ્છ અને હરિયાળું ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું. મેયરે શહેરના યુવાનો અને નોકરિયાત વર્ગને ખાસ વિનંતી કરી હતી કે મેટ્રો જેવી સુવિધાસભર સેવાનો મહત્તમ લાભ લઈ પર્યાવરણ મિત્ર બને.હાલમાં તો પ્રોટોકોલ બાજુ પર મૂકીને મેયર દ્વારા કરવામાં આવેલી આ પહેલની સમગ્ર પાટનગરમાં પ્રશંસા થઈ રહી છે ત્યારે મહાનગર પાલિકાના અન્ય પદાધિકારીઓ વડાપ્રધાનની અપીલને સાર્થક કરે છેકે કેમ એ જોવું રહ્યું.
Read Original Article →