છેલ્લા ચાર વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:ગાંધીનગર પોલીસને હાથતાળી આપીને અમદાવાદના ફ્લેટમાં છુપાયો હતો
ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી નાસતાફરતા ગુનેગારોને પકડી પાડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત, છેતરપિંડી અને કૂટલેખન જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા આરોપીને આખરે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ કોમ્બિંગ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અને આંતર જિલ્લા કે અન્ય રાજ્યોમાં આશરો લઈને છુપાયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમોનું ગઠન કરીને કોમ્બિંગ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશોને પગલે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે . આરોપી અમદાવાદના નારોલમાં ફ્લેટમાં છુપાયેલો હતો
જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ 2ની ટીમો દ્વારા સ્થાનિક બાતમીદારોને સક્રિય કરીને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર વોચ ગોઠવીને સઘન ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન અમદાવાદ ખાતે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં નીકળેલ ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2022માં ડભોડા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને કૂટલેખન જેવા ગંભીર ગુનાનો મુખ્ય આરોપી હાલમાં નારોલ વિસ્તારમાં છુપાયેલો છે. છેલ્લા ચાર વર્ષથી ગાંધીનગર પોલીસને થાપ આપતો હતો અંતે દબોચાયો
જેના પગલે પોલીસ અમદાવાદના નારોલ ખાતે આવેલા રાજ એપાર્ટમેન્ટના સી-308 નંબરના મકાનમાં ત્રાટકી હતી. જ્યાં હાજર શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને તેની ઓળખ કરતા આરોપી બીજો કોઈ નહીં પરંતુ છેલ્લા ચાર વર્ષથી ગાંધીનગર પોલીસની પકડથી દૂર ભાગતો અનિલભાઈ કાળુભાઈ પરમાર જ હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે આરોપીને ઉઠાવી લઈ સ્થાનિક પોલીસને સોંપી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાહતનો દમ લીધો હતો.
Read Original Article →