આ કિટથી 28 દિવસમાં થાય છે દૂધાળા પશુઓનું ગર્ભ પરીક્ષણ:લોહીનું એક ટીપું, 250નો ખર્ચ ને 10 મિનિટમાં જ મળશે રિઝલ્ટ, કેવી રીતે કામ કરે છે કિટ?
ગાય-ભેંસ જેવાં દૂધાળા પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન માટે કૃત્રિમ બીજદાન બાદ 90 થી 120 દિવસે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે. પરંતુ, આ તપાસ ખર્ચાળ હોવાની સાથે તેમાં પશુઓનાં રેક્ટમમાં હાથ નાખીને ચકાસણી કરવામાં આવતી હોવાના કારણે પશુ માટે ભારે તણાવ અને ક્યારેક ગર્ભપાતનું કારણ પણ બનતી હોય છે. ત્યારે અમદાવાદના બિગનેનો વેન્ચર્સનાં કોમલ કલંત્રીએ પશુઓમાં ગર્ભ પરીક્ષણ માટે એક એવી અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ તૈયાર કરી છે, જેની મદદથી માત્ર 28થી 35 દિવસમાં જ પશુમાં સફળ ગર્ભધારણની જાણકારી મેળવી શકાય છે. જેનો ખર્ચ માત્ર ₹250 થી ₹300 જેટલો જ થાય છે. નવિન જિંદલ ગ્રૂપ દ્વારા પણ જોડાણ કરવામાં આવ્યું
આ માટે રાજ્ય સરકારની SSIP 2.0 અંતર્ગત i-Hubની સૃજન સીડ સહાય હેઠળ બિગનેનો સ્ટાર્ટઅપને ₹10 લાખની સહાય પણ મળી હોવાનું કોમલ કલંત્રી જણાવે છે.તેઓ ઉમેરે છે કે ગુજરાતમાં અમૂલ (Amul) સાથે બિગનેનો વેન્ચર્સ એમ્પેનલ્ડ છે, જ્યારે તાજેતરમાં જ હરિયાણામાં નવિન જિંદલ ગ્રૂપ દ્વારા પણ જોડાણ કરવામાં આવ્યું છે. આ સિવાય, દેશની અગ્રણી ડેરીઓ અને મિલ્ક યુનિયનો સાથે મળીને સતત ફિલ્ડ કેમ્પ્સ દ્વારા આ ટેક્નોલૉજી વિશે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ રાજ્યોમાં કિટનો ઉપયોગ
ખાસ કરીને, ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં પણ અનેક પશુપાલકો આ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે નેપાળના ખેડૂતો અને પશુપાલકો પણ હવે આ કિટનો ઉપયોગ કરતાં થયા છે તેમ કો-ફાઉન્ડર કોમલ કલંત્રીએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રીમ હરોળનું રાજ્ય છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ અને વિસ્તાર માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ માટે અત્યંત ઉપયોગી એવાં ગાય-ભેંસ જેવાં દૂધાળા પશુઓમાં ગર્ભાધાન માટેની પ્રક્રિયા પણ એટલી જ અગત્યની છે. ગર્ભકાળનો લગભગ 40 ટકા સમય વેડફાય છે
પશુઓમાં ગર્ભાધાનની સીધી અસર દૂધ ઉત્પાદનને પણ થાય છે. પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન વિશે વાત કરતાં કોમલ કલંત્રી જણાવે છે કે પશુઓમાં કૃત્રિમ બીજદાન બાદ ગર્ભ પરીક્ષણ માટેની વર્તમાન પદ્ધતિમાં ત્રણથી ચાર મહિના એટલે કે ગર્ભકાળનો લગભગ 40 ટકા સમય વેડફાય છે, જેની સીધી અસર પશુના સ્વાસ્થ્ય અને ખેડૂતની આર્થિક સ્થિતિ પર પડે છે. ત્યારે આ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ દ્વારા માત્ર 28 થી 35 દિવસમાં 99 ટકા સુધીનું સચોટ નિદાન થઈ શકે છે. જેનાથી બાકીના 60 થી 90 દિવસના પ્રતિ દિન ખર્ચની ગણતરી કરવામાં આવે, તો પશુ દીઠ કુલ ખર્ચમાં 10 હજાર થી 12 હજાર સુધીનો ફાયદો થાય છે. આ પ્રકારની અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટના સંશોધન વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, ‘બિગનેનોની શરૂઆત માત્ર એક વિચારથી નહીં, પણ એક હૃદયસ્પર્શી અનુભવથી થઈ હતી. એક વખત હું જ્યારે એક ગૌશાળાની મુલાકાતે ગઈ હતી, ત્યારે મેં પશુઓમાં ગર્ભાવસ્થા તપાસવાની પરંપરાગત અને અત્યંત પીડાદાયક પદ્ધતિ જોઈ. આ કરુણ દૃશ્ય જોઈને મારું હૃદય દ્રવી ઊઠ્યું.’ આ પ્રશ્નએ કિટ બનાવવાના વિચારને જન્મ આપ્યો
‘બાયોટેકનો અભ્યાસ અને ત્યાર પછી એક દાયકાના ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રના અનુભવે મારા મનમાં એક સવાલ જન્માવ્યો, ‘જો મનુષ્યો માટે વહેલી અને Non-invasive તપાસ શક્ય છે, તો અબોલ પશુઓ માટે કેમ નહીં?’ આ પ્રશ્ન જ એક નવા સંશોધનનો આરંભ હતો. આ રીતે ‘બિગનેનો બોવાઇન અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ’ તૈયાર કરવાના પ્રયાસો શરૂ થયા.’ એક તરફ, જ્યારે વડાપ્રધાન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રાજ્યપાલ દ્વારા પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે પશુઓનું સ્વાસ્થ્ય અને ખેડૂતની સમૃદ્ધિ બંનેના કલ્યાણ દ્વારા ડેરી ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને એક એવી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં બિગનેનો અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ મહત્ત્વની સાબિત થશે તેવો વિશ્વાસ સુશ્રી કલંત્રીએ વ્યક્ત કર્યો હતો. પશુઓમાં FMD, TB જેવા રોગો માટે સ્વ-પરીક્ષણ કિટ તૈયાર કરવાનું ભાવિ આયોજન
સંસ્થા દ્વારા પ્રારંભિક તબક્કે અનેક ખેડૂતોને આ કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેથી તેઓ પ્રારંભિક ગર્ભાવસ્થા શોધવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાનું મહત્ત્વ સમજી શકે. વધુમાં, ભવિષ્યમાં પશુઓમાં બ્રૂસેલા, ફૂટ ઍન્ડ માઉથ ડિસીઝ-FMD(ખરવા-મોવા), TB અને મેસ્ટાઇટિસ(આંચળનો સોજો) નિદાન માટે સ્વ-પરીક્ષણ કિટ તૈયાર કરવાનું આયોજન હોવાનું તેમણે ઉમેર્યું હતું. કેવી રીતે કામ કરે છે આ કિટ?
અત્યાર સુધી પશુઓમાં ગર્ભ પરીક્ષણ માટે તેમનાં રેક્ટમ(મળાશય)માં હાથ નાખીને ચકાસણી કરવામાં આવતી હતી. જેના બદલે આ પ્રેગ્નન્સી કિટ દ્વારા પરીક્ષણ માટે પશુનાં કાન, પૂંછડી કે ગળા પાસેની નસમાંથી લોહીનું એક ટીપું લઈને તેને પ્રેગ્નન્સી કિટ પર મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેમાં બફર કેમિકલનાં બે ટીપાં ઉમેરવામાં આવે છે અને માત્ર દસ જ મિનિટમાં ખબર પડી જાય છે કે પશુએ ગર્ભ ધારણ કર્યો છે કે નહીં.
Read Original Article →