અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલને કેન્દ્રની મંજૂરી:કનેક્ટિવિટી ઝડપી બનશે, સેમિકન્ડક્ટર હબને મળશે મોટો વેગ
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ (સરખેજ)થી ધોલેરા વચ્ચે સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કેબિનેટ બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ રૂ. 3.18 લાખ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ-ધોલેરા રેલ પ્રોજેક્ટ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોને સીધો ફાયદો મળશે
આ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 20,665 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ અને ધોલેરા વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાસભર બનશે. સાથે જ ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને ઉભરી રહેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગોને સીધો ફાયદો મળશે. ઝડપી રેલ કનેક્ટિવિટી ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે
ધોલેરામાં દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ વિકસાવવામાં આવી રહ્યો છે અને સમગ્ર વિસ્તારને ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ઝડપી રેલ કનેક્ટિવિટી ઉદ્યોગો, રોકાણકારો અને વેપાર માટે ગેમચેન્જર સાબિત થશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ખેડૂતો માટે MSP હેઠળ 2.60 લાખ કરોડની ફાળવણી
કેબિનેટ બેઠકમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026-27ની ખરીફ સીઝન માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) હેઠળ રૂ. 2,60,000 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળવાની આશા વધી છે. કોલ ગેસિફિકેશન માટે 37,500 કરોડની યોજના
દેશને ઉર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે રૂ. 37,500 કરોડની કોલ ગેસિફિકેશન સ્કીમને પણ મંજૂરી આપી છે. આ યોજના થકી કોલસાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરીને વિકલ્પ ઉર્જા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. નાગપુર એરપોર્ટના અપગ્રેડેશનને લીલી ઝંડી
કેબિનેટ બેઠકમાં નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન માટે પણ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયો આગામી સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે મોટા ફેરફારો લાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →