અમદાવાદથી ધોલેરા સુધી દોડશે મીની બુલેટ ટ્રેન:ધોલેરામાં 20 લાખ લોકોને વસાવાશે, ભવિષ્યમાં ટ્રેન ભાવનગર સુધી લંબાવાશે; મેપથી સમજો રૂટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ સમિતિ (CCEA)એ 13મે અમદાવાદ (સરખેજ)થી ધોલેરા સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલ્વે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે, જે ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડગેજ સેમી-હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રદાન કરશે. આશરે ₹20,667 કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેનો પ્રથમ સ્વદેશી રીતે વિકસિત સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેના પર ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડશે. આશરે 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ-ટ્રેક લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આગામી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને અત્યાધુનિક રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન સ્પીડ 220 કિમી/કલાક અને ઓપરેશનલ સ્પીડ 200 કિમી/કલાક છે. કોરિડોર સાથે કુલ 13 સ્ટેશન વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ત્રણ મેગા બ્રિજ, 74 કિલોમીટરના વાયડક્ટ્સ, 39 રોડ અંડરબ્રિજ અને બે રેલ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. કુલ ટ્રેકની લંબાઈ આશરે 293 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભવિષ્યમાં આ અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી આધારિત ટ્રેન સેવાને ભાવનગર સુધી લંબાવવાનું આયોજન છે, જેનાથી ધોલેરા સ્માર્ટ સિટી, ધોલેરા એરપોર્ટ અને લોથલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કનેક્ટિવિટી મજબૂત થશે અને અંદાજે 20 લાખ લોકોને વસાવવાના લક્ષ્ય રાખવામાં આવ્યું છે. SIRને દરિયાઈ, હવાઈ અને જમીન માર્ગ સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળશે
અમદાવાદથી ધોલેરા વચ્ચે બનનારા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને રાજ્ય સરકાર અને રેલવે વિભાગે મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. આ પ્રોજેક્ટ માત્ર પેસેન્જર માટે નહીં પરંતુ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાથી તેને દેશનું સૌથી યુનિક રેલ નેટવર્ક માનવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ને દરિયાઈ, હવાઈ અને જમીન માર્ગ સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળશે. 'ધોલેરા વિસ્તારમાં આશરે 20 લાખ લોકો વસવાટ કરશે'
ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પેસેન્જર અને ગુડ્ઝ બંને માટે કાર્યરત હોવાથી અત્યંત વિશિષ્ટ છે. પ્રોજેક્ટથી દરિયાઈ, હવાઈ અને રોડ નેટવર્ક સાથે સરળ સંકલન થશે તેમજ મોટા પાયે રોજગારીનું સર્જન થશે. તેમણે એવો પણ અંદાજ વ્યક્ત કર્યો કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ધોલેરા વિસ્તારમાં આશરે 20 લાખ લોકો વસવાટ કરશે.
એક જ ડબ્બામાં 100 ટનથી વધુ સામાન પરિવહન કરવાની ક્ષમતા
અમદાવાદ રેલવે ડિવિઝનના DRM વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, આ નેટવર્કમાં એક જ ડબ્બામાં 100 ટનથી વધુ સામાન પરિવહન કરવાની ક્ષમતા રહેશે.હાલમાં સાબરમતીથી સરખેજ વચ્ચે 23 કિલોમીટર ડબલ લાઈનનું કામ ચાલી રહ્યું છે, જ્યારે સરખેજથી બાવલિયારી સુધીનું નેટવર્ક 220 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ માટે તૈયાર થશે. તેમણે દાવો કર્યો કે આ પ્રકારનું નેટવર્ક ભારતમાં અન્ય ક્યાંય ઉપલબ્ધ નથી. ધોલેરા એરપોર્ટ સ્ટેશન સાબરમતીથી આશરે 95 કિલોમીટર દૂર રહેશે. પેસેન્જર ટ્રાફિક ઉપરાંત સેમિકોન પ્રોડક્ટ અને અન્ય ભારે માલસામાનને દેશના વિવિધ પોર્ટ સુધી ઝડપથી પહોંચાડવામાં આ રેલ નેટવર્ક મોટી ભૂમિકા ભજવશે. 'વિશ્વમાં પહેલીવાર, સેમી-હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી/કલાકની ઝડપે બ્રોડ-ગેજ ટ્રેક પર દોડશે'
વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વનો પ્રથમ બ્રોડ ગેજ સેમી-હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં પહેલીવાર, સેમી-હાઈ-સ્પીડ ટ્રેન 220 કિમી/કલાકની ઝડપે બ્રોડ-ગેજ ટ્રેક પર દોડશે. આખો પ્રોજેક્ટ અને ટ્રેન સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયા ટેકનોલોજી પર આધારિત હશે. આ ટ્રેન અત્યાધુનિક કવચ 5.0 સલામતી પ્રણાલીથી સજ્જ હશે, જે સલામતી અને સ્વચાલિત ટ્રેન સુરક્ષા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. અત્યાર સુધી, વિશ્વમાં સેમી-હાઈ-સ્પીડ ટ્રેનો મુખ્યત્વે સ્ટાન્ડર્ડ ગેજ પર ચાલતી હતી, પરંતુ પહેલી વાર, ભારત બ્રોડગેજ નેટવર્ક પર 220 કિમી પ્રતિ કલાકની ઝડપે સક્ષમ એક સફળ મોડેલ વિકસાવી રહ્યું છે. પૂર્ણ થયા પછી, આ પ્રોજેક્ટ અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને એક કલાકથી ઓછો કરશે, અને ધોલેરાને અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલ કોરિડોર સાથે સીધો જોડશે. 'આગામી ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા લક્ષ્ય'
વેદ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને આગામી ચાર વર્ષમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 80 ટકા જમીન સંપાદન પૂર્ણ થયું છે. પ્રોજેક્ટનો આશરે 55 ટકા ભાગ એલિવેટેડ રહેશે, જ્યારે કેટલાક ભાગમાં જમીન પર ટ્રેક બનાવાશે. બાવલિયારીથી આગળ 65 કિલોમીટર સુધીનો સર્વે હાલ ચાલી રહ્યો છે અને ડિસેમ્બર સુધીમાં તે પૂર્ણ થશે. ત્યારબાદ ભાવનગરને પણ ધોલેરા સાથે જોડવાની યોજના છે અને ભાવનગરથી સરખેજ સુધીનું નેટવર્ક વિકસાવવામાં આવશે. ધોલેરા SIRમાં કુલ 22 ગામોની જમીનનો સમાવેશ
ધોલેરા SIRના એમડી કુલદીપ આર્યાએ જણાવ્યું હતું કે, ધોલેરા હાઈવેના 8-લેન રોડની બાજુમાં 30 મીટરના પટ્ટામાં હાઈ-સ્પીડ રેલ લાઈન બનાવાશે. હાલમાં ધોલેરામાં 1500 ફ્લેટના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમજ 30 યુનિટને BU પરમિશન આપવામાં આવી છે. ધોલેરા SIRમાં કુલ 22 ગામોની જમીનનો સમાવેશ થાય છે. ઉપરાંત રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ માટે રાજ્ય સરકારે 12 કરોડ રૂપિયાનું ખાસ બજેટ પણ ફાળવ્યું છે. 'આ પ્રોજેક્ટ ભારતના રેલ્વે ઇતિહાસમાં એક નવી શરૂઆત'
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલ્વે ઇતિહાસમાં એક નવી શરૂઆત છે. તે ફક્ત એક રેલ લાઇન નથી, પરંતુ 'નવા ભારત'ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતીય રેલ્વે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહી છે. સ્વદેશી ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ, દેશભરમાં સેમી-હાઈ-સ્પીડ રેલ નેટવર્કના ભવિષ્યના વિસ્તરણ માટેનો આધાર બનશે. મોરૈયા ખાતે સમર્પિત ફ્રેઇટ કોરિડોર સાથે જોડાણ
ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, ધોલેરા SIRને સાબરમતી, ધોલેરા એરપોર્ટ અને લોથલ સાથે જોડતો આ કોરિડોર રાજ્યની આર્થિક પ્રગતિને નવી ગતિ આપશે. સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર મેટ્રો એકીકરણ, સાબરમતી ખાતે બુલેટ ટ્રેન કનેક્ટિવિટી અને મોરૈયા ખાતે સમર્પિત ફ્રેઇટ કોરિડોર સાથે જોડાણ ગુજરાતને વિશ્વ કક્ષાના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે સ્થાપિત કરશે.
Read Original Article →