વાહનચોરીની વણઝાર વચ્ચે ચેઇન સ્નેચરોનો તરખાટ:ગાંધીનગરના અડાલજમાં મહિલાના ગળામાંથી 2.40 લાખનું મંગળસૂત્ર લૂંટી બાઈકસવાર ફરાર
ગાંધીનગર નજીક આવેલા અડાલજ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ચાલવા નીકળેલા એક મહિલાને નિશાન બનાવી બાઈક સવાર બે અજાણ્યા ચેઇન સ્નેચરો 2.40 લાખ રૂપિયાની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. દીકરી સાથે ચાલવા નીકળેલા મહિલના ગળામાંથી ચેનની ચીલઝડપ
પાટનગર ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. તાજેતરમાં રૂપાલના વરદાયિની માતાના મંદિર પરિસરમાં આવેલા ખોડિયાર મંદિરમાં તાળા તોડી 15 લાખની રોકડની ચોરીની ઘટના તાજી છે ત્યાં વાહન ચોરીની વણઝાર વચ્ચે ચેઇન સ્નેચર ગેંગે પણ પાટનગરમાં તરખાટ મચાવ્યો છે. મૂળ ઇન્દોરના વતની અને હાલ અડાલજની રેવા સ્કાયલિંક સોસાયટીમાં રહેતા 44 વર્ષીય કારપેન્ટર મોહિનીબેન સુભાષભાઈ નંદ કિશોર ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે તેમની 24 વર્ષીય દીકરી હર્ષિતા સાથે ચાલવા નીકળ્યા હતા. જ્યારે તેઓ અડાલજમાં આવેલી સ્વર્ણિમ સૃષ્ટિ નજીક રોડ વચ્ચેના ડિવાઇડર પર બેઠા હતા ત્યારે એસજી હાઇવેના સર્વિસ રોડ તરફથી એક કાળા રંગનું પલ્સર જેવું બાઈક લઈને બે લૂંટારૂ તેમની નજીક આવ્યા હતા. બાદમાં બાઈક પર સવાર બંને શખ્સોએ જાણીજોઈને બાઈક ધીમું કર્યું હતું. અને મહિલાને લાગ્યું કે તેઓ કંઈક પૂછવા માટે ઉભા રહ્યા છે પરંતુ તે દરમિયાન જ બાઈકની પાછળ બેઠેલા શખ્સે મોહિનીબેનના ગળામાંથી આશરે દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર જોરથી આંચકી લીધું હતું. ચેન સ્નેચરને ઝડપવાનો નિષ્ફળ પ્રયાસ
મહિલાએ બચાવના પ્રયાસમાં લૂંટારુના શર્ટને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાઈક ચાલકે ઝાટકો મારી બાઈક હંકારી મૂક્યું હતું. આ ઘટના દરમિયાન નજીકમાં જ રહેતા આર્યન સોલંકી નામના યુવકે આ લૂંટારુઓનો પીછો કર્યો હતો. પરંતુ આરોપીઓ બાઈક લઈને કેનાલ તરફ પુરઝડપે ભાગી ગયા હતા. આ બનાવ અંગે મોહિનીબેને તરત જ તેમના પતિને જાણ કરી હતી. બાદમાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ચેન સ્નેચર જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તેમાં નંબર પ્લેટ પણ નહોતી. ઘટના સમયે બાઈક ચાલકે સફેદ રંગનો અને પાછળ બેઠેલા શખ્સે ક્રીમ રંગનો શર્ટ પહેર્યો હતો અને બંને મધ્યમ બાંધાના હતા.
Read Original Article →