અડાલજમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો:બંગલોમાં પરિવાર ગાઢ નિંદ્રા સૂતો રહ્યોને રૂમમાંથી ડિજિટલ લોકર ઉઠાવી ફરાર, 30 તોલા સોનાના બિસ્કિટ સહિત દોઢ કરોડથી વધુની મત્તા સાફ
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા ઔરમ વેલી રોયલ વૈભવ હોમ્સમાં તસ્કરોએ તરખાટ મચાવી હાહાકાર મચાવી દીધો છે. ગત રાત્રિના કેમિકલના વેપારી સહિત પાંચ સભ્યની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી ચાર અજાણ્યા તસ્કરો બારીની જાળી તોડીને અંદર પ્રવેશીને 30 તોલા સોનાના બિસ્કિટ, 55 લાખ રોકડા સહિત આશરે દોઢ કરોડની મત્તા ભરેલું ડિજિટલ લોકર ચોરી જતા સનસનાટી મચી ગઇ છે. જોકે આ મામલે હાલમાં અડાલજ પોલીસ મથકના ચોપડે આશરે 67 લાખની મત્તા ચોરીની ફરિયાદ નોંધાઈ છે. એસી બંધ હોવાથી દીકરીઓના રૂમમાં સૂતા હતા
કલોલ છત્રાલ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરી ધરાવતા વેપારી મયુરભાઈ સોની પરિવાર સાથે ગઈકાલે 7 જૂનના રોજ સાંજના સમયે ઘર બંધ કરી ફરવા-જમવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા પછી પોતાના રૂમમાં એસી બંધ હોવાથી દીકરીઓના રૂમમાં સુવા માટે ગયા હતા. દરમિયાન પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ડિજિટલ લોકર ઉઠાવીને તસ્કરો ફરાર
તસ્કરોએ વહેલી સવારે આશરે 1.30થી 1.59 વાગ્યાના ગાળામાં ઘરના હોલની બારીની જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં અંદર પ્રવેશ્યા બાદ તરત જ પ્રથમ માળે આવેલા બેડરૂમમાં ફર્નિચરના કબાટમાં રાખેલું ડિજિટલ લોકર ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ત્યાં સુધી પરિવાર ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યો હતો. પુત્રએ સવારે દરવાજો ખુલ્લો જોયોને શંકા ગઈ
ત્યારે સવારના સમયે મયુરભાઈનો પુત્ર ધ્વનીલ શાળાએ જવા માટે તૈયાર થવા નીચે ગયો.ત્યારે તેણે જોયું કે ઘરના હોલનો દરવાજો ખુલ્લો હતો અને બારીની જાળીનો સળીયો પણ વાળેલી હાલતમાં હતો. આ દ્રશ્ય જોઈને તે ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક ઉપર આવીને પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારના સભ્યોએ તપાસ કરતા બેડરૂમમાં રાખેલી ડિજિટલ લોકરવાળી તિજોરી ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. સીસીટીવીમાં ચાર બુકાનીધારી તિજોરી લઈ જતા દેખાયા
આથી પરિવાર દ્વારા ઘરના હોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોરીનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો. ફૂટેજમાં સામે આવ્યું છે કે મોઢે રૂમાલ બાંધેલા હાથે ગ્લોવઝ પહેરેલા ચાર અજાણ્યા શખ્સો બારીની જાળી તોડીને અંદર પ્રવેશ્યા હતા અને થોડીવારમાં જ તિજોરી ઉઠાવીને બહાર નીકળતા દેખાયા હતા. 40 તોલા સોનું, 1 કિલો ચાંદી, ડિજિટલ લોકરની ચોરી
આ અંગે મયુરભાઈએ વિગતવાર તપાસ કરતા ચોરી થયેલા મુદ્દામાલમાં 8 તોલાનો સોનાનો સેટ, બે નંગ નાના સોનાના સેટ, પાંચ નંગ સોનાના પેન્ડલ, મંગળસૂત્ર, 10 નંગ સોનાની વીંટીઓ, એક સોનાની લક્કી, 30 તોલા સોનાના બિસ્કિટ અને આશરે 1 કિલો જેટલા ચાંદીના વિવિધ દાગીનાનો સમાવેશ થાય છે. આ તમામ દાગીનાની કિંમત અંદાજે 66,50,000 રૂપિયા થાય છે, ઉપરાંત 25,000 રૂપિયાની કિંમતનું ડિજિટલ લોકર મળીને કુલ 66.75 લાખ રૂપિયાની મતાની ચોરી સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. જોકે સૂત્રોનું કહેવું છે કે, જમીન વેચીને આવેલા 55 લાખ રૂપિયા સહિતની કિંમતી મુદ્દામાલ પણ ચોરાયા હોવાની બુમરાણ છે. જેથી આ ચોરીનો આંકડો દોઢ કરોડ સુધી પહોંચવાની શકયતા સેવાઈ રહી છે. મયુરભાઈ જે રૂમમાં ડિજિટલ લોકર રાખેલું એ રૂમ રેઢિયાળ મુકીને સંતાનોના રૂમમાં સૂઈ ગયા હતા.
Read Original Article →