ગ્રામજનોમાં અસંતોષ:કલ્યાણપુરમાં ગ્રામ સભામાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો રોષ

Gujarat6/7/2026, 12:00:00 AM
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર ગામે શુક્રવારે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ખાસ ગ્રામસભાનું આયોજન કરાયુ હતુ. ચોમાસાની ઋતુના આગમનને ધ્યાનમાં રાખી ગામમાં આરોગ્યલક્ષી સજ્જતા, સંભવિત રોગચાળાઓની અટકાયત, સ્વચ્છતા અને પીવાના પાણી જેવી અગત્યની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગનો પક્ષ રજૂ કરવા માટે રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) ના મેડિકલ ઓફિસરને સત્તાવાર રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં મેડિકલઓફિસર કે તેમના કોઈ પ્રતિનિધિ ગ્રામસભામાં હાજર રહ્યા ન હતા. સરકાર દ્વારા ગ્રામસભાઓમાંઅધિકારીઓ ની ફરજિયાત હાજરી અંગે આપવામાં આવેલા નિર્દેશો હોવા છતાં આરોગ્ય વિભાગની ગેરહાજરી ને લઈને ગ્રામજનોમાં અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો. ગ્રામસભા દરમિયાન ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રીએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પીવાના પાણી, સફાઈ વ્યવસ્થા, ગટર સમસ્યા તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નો ગંભીરતાપૂર્વક સાંભળી ઉકેલ માટે જરૂરી આયોજન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીની ગેરહાજરી અંગે ગ્રામસભામાં સત્તાવાર વિરોધ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સરપંચ અને તલાટી મંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી સોમવારે જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે. સાથે જ ગ્રામજનોએ ફરજમાં કથિતબેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
Read Original Article →