ચોમાસા પૂર્વે અરબી સમુદ્રમાં કરંટ:ગોમતીઘાટ સહિત દરિયાકાંઠે 8થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

Gujarat5/17/2026, 12:00:00 AM
યાત્રાધામ દ્વારકા નજીક અરબી સમુદ્રમાં ચોમાસા પૂર્વે જ દરિયાઈ પાણીમાં અસામાન્ય કરન્ટ જોવા મળી રહ્યો છે. હજુ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆતને લગભગ એક માસ જેટલો સમય બાકી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોથી દરિયો સમયાંતરે ઉંચા મોજા સાથે તોફાનીરૂપ ધારણ કરતો હોવાનુ સ્થાનિકો દ્વારા જણાવાઈ રહ્યું છે. દ્વારકાના પ્રખ્યાત ગોમતીઘાટ, ભડકેશ્વર ચોપાટી, લાઈટ હાઉસ વિસ્તાર, ગાયત્રી મંદિર નજીકના દરિયાકિનારા તેમજ સંગમનારાયણ મંદિર આસપાસના કાંઠાળા વિસ્તારોમાં શનિવારે આઠથી દસ ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. ભારે ગર્જના સાથે કિનારે અથડાતા મોજાંઓએ દરિયાકિનારે અનોખું દૃશ્ય સર્જ્યું હતું, જેને નિહાળવા સ્થાનિક લોકો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનને કારણે દ્વારકામાં પ્રવાસીઓ-યાત્રાળુઓની અવર જવર વધી રહી છે. ખાસ કરી દરિયાકિનારે પહોંચેલા યુવાનો અને બાળકોમાં ઊંચા મોજાં વચ્ચે ભીંજાવાનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક પ્રવાસીઓએ દરિયાના મોજાં સાથે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી આ કુદરતી નજારાનો આનંદ માણ્યો હતો. દરિયામાં વધેલા કરન્ટને ધ્યાનમાં રાખીને તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રવાસીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. ઊંડા પાણીમાં ન જવા, જોખમી વિસ્તારોમાં પ્રવેશ ન કરવા તેમજ બાળકો ઉપર ખાસ નજર રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન પરીવર્ત ન,પવનની દિશામાં બદલાવથી કરન્ટ... સ્થાનિક માછીમારોના જણાવ્યા અનુસાર ચોમાસા પૂર્વે દરિયામાં આવો કરન્ટ સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન અને દરિયાઈ પવનની દિશામાં બદલાવના કારણે સર્જાતો હોય છે. આગામી દિવસોમાં પણ દરિયો વધુ તોફાની બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →